અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે. 76 વર્ષીય ટ્રમ્પે બુધવારે આ માહિતી આપી હતી. તેઓએ કહ્યું હતું કે તે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના દાવેદાર હશે. ટ્રમ્પે કહ્યું, “અમેરિકાને ફરીથી મહાન અને ગૌરવપૂર્ણ બનાવવા માટે, હું આજે રાત્રે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ માટે મારી ઉમેદવારીની જાહેરાત કરી રહ્યો છું.”
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે 16 નવેમ્બરે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઔપચારિક રીતે દસ્તાવેજો ફાઈલ કર્યા હતા. આ દરમિયાન ટ્રમ્પે ફ્લોરિડાના એક રિસોર્ટમાં તેમના સમર્થકોનું અભિવાદન કર્યું હતું. તેણે પોતાના સમર્થકોને કહ્યું કે હવે અમેરિકાનું પુનરાગમન શરૂ થઈ રહ્યું છે.
મિડટર્મ ચૂંટણીમાં નિરાશાજનક હારનો સામનો કર્યા બાદ ટ્રમ્પ હવે વ્હાઇટ હાઉસ માટે તેમનું ત્રીજું અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. જો કે ટ્રમ્પને આશા હતી કે તેઓ તેમની પાર્ટીના નોમિનેશન જીતવા માટે મધ્યવર્તી ચૂંટણીના પરિણામોનો ઉપયોગ કરી શકે છે. પરંતુ હવે તેમના પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.




