- ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કલાકારો અને વિદ્યાર્થીઓએ મળી ૫૬૨૫ સ્ક્વેર મીટરની રંગોળી થકી મતદાન માટે અપીલ કરાઈ
ભરૂચ જીલ્લામાં મતદાન જાગૃતિને લઇ ચૂંટણી તંત્ર દ્વારા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ૫૬૨૫ સ્ક્વેર મીટરની રંગોળી થકી મતદાન માટે અપીલ કરવામાં આવી છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અન્વયે અવનવાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેના ભાગરૂપે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સ્વીપના નોડલ ડૉ.દિવ્યેશ પરમારની આગેવાનીમા મુન્સી બી.એડ કોલેજના વિદ્યાર્થીઓ, ૪૦ કલાકારો, ભરૂચની વિવિધ શાળાના ચિત્ર શિક્ષકો તેમજ સામાજિક સંસ્થાઓ અને સામાન્ય લોકો દ્વારા ૫૬૨૫ સ્ક્વેર મીટરની રંગોળી તૈયાર કરવામા આવી છે. રંગોળી બનાવવામાં અંદાજિત ૩૨૦૦ કીલો જેટલો રંગનો ઉપયોગ કરવા સાથે ચાર દિવસનની જહેમત લગાવી આ મહારંગોળી બનાવવામાં આવી છે.જે રંગોળીનું ગતરોજ સાંજે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના હસ્તે જન જાગૃતિ માટે ખુલ્લી મુકવામાં આવી હતી.જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ આ અવસરે ભરૂચ જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ મતદાન કરીને લાકશાહીના આ મહાપર્વમા પોતાની પવિત્ર ફરજ નિભાવવા અપીલ કરતા જણાવ્યું હતું કે, મતદાન જાગૃતિ માટેના સંદેશા આપતી કલાત્મક રંગોળી રચીને ભરૂચ જિલ્લાના મતદારો મતદાનની પવિત્ર ફરજ નિભાવે અને વધુમાં વધુ લોકોને વોટીંગ કરાવે તે માટેનો સંદેશો પાઠવવાનો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનોખો પ્રયાસ છે.જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ રંગોળીમા બનાવવામા પોતાનો કિમતી સમય ફાળવતા મુન્સી બી.એડ કોલેજના તાલિમાર્થીઓ, ૪૦ જેટલા કલાકારો અને ભરૂચની વિવિધ શાળાના ચિત્ર શિક્ષકો, સામાજિક સંસ્થાઓના કામની સહારના કરી કામગીરીને બિરદાવી હતી.