- સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટઈન્ડિઝને આયર્લેન્ડ ટક્કર આપીને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ શકે છે, જાણો કેવી રીતે..
આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપને લઈને યજમાન દેશ ભારત સહિત 7 ટીમ ક્વોલિફાય કરી ચૂકી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમ ભાગ લેશે. જેમાંથી 8 ટીમને ICC સુપર લીગ પોઇન્ટ્સના આધારે સીધી એન્ટ્રી મળી છે. એટલે કે સીધી ક્વોલિફિકેશન માટે માત્ર 1 સ્થાન બાકી છે અને સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા સહિત 6 ટીમ હજુ પણ રેસમાં છે. એટલે કે આમાંથી એક ટીમ સીધી વર્લ્ડ કપમાં પહોંચી જશે. બાકીની બે ટીમને ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટથી વર્લ્ડ કપની ટિકિટ મળશે. આ સ્ટોરીમાં આપણે જાણીશું કે વર્લ્ડ કપ માટે અત્યારસુધી કઈ 7 ટીમને ટિકિટ મળી છે. આ ટીમ કેવી રીતે ક્વોલિફાય થઈ અને અન્ય ટીમનું ભવિષ્ય શું હોઈ શકે?
સૌથી પહેલા તો એ જાણી લો કે ક્વોલિફિકેશનની ઓવરઓલ પ્રોસેસ શું છે?
2019ના વર્લ્ડ કપમાં 10 ટીમે ભાગ લીધો હતો. આ જ ફોર્મેટ 2023 વર્લ્ડ કપ માટે પણ જાળવી રાખવામાં આવ્યું છે. યજમાન હોવાને કારણે ભારત સીધું જ ક્વોલિફાય થયું છે. બાકીની ટીમના ભાવિનો નિર્ણય ICC સુપર લીગ અને વર્લ્ડ કપ ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટથી કરવામાં આવ્યો હતો.
ICCએ 30 જુલાઈ 2020થી 31મે 2022 સુધીની ટોચની 13 ટીમ વચ્ચેની તમામ બાઈલેટરલ ODI સિરીઝને સુપર લીગનો એક ભાગ બનાવી છે. દરેક મેચમાં વિજેતા ટીમને 10 પોઇન્ટ્સ આપવામાં આવે છે. હારનાર ટીમને કોઈ પોઈન્ટ મળતો નથી. મેચ કેન્સલ થાય અથવા ટાઈ થાય તો બન્ને ટીમને 5-5 પોઇન્ટ્સ આપવામાં આવે છે. સુપર લીગના સમય ગાળાના અંતે જે ટીમ ટોપ-8માં રહેશે તેને વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળશે. બાકીની ટીમએ ક્વોલિફાયર ટૂર્નામેન્ટ રમવાની છે, જેમાંથી બે ટીમ વર્લ્ડ કપમાં પહોંચશે.
અત્યારસુધીમાં રમાયેલી તમામ મેચના આધારે ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાને આટલા પોઇન્ટ્સ મેળવ્યા છે કે તેમનું ટોપ-7માં રહેવાનું નક્કી છે. એટલે કે આ ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. મે સુધી યોજાનારી બાઈલેટરલ વન-ડે સિરીઝના આધારે વધુ 1 ટીમ સીધી ક્વોલિફાય થશે. આ પછી, બે ટીમ બાકી રહેલી છે, તેમની વચ્ચે છેલ્લા બે સ્થાન માટે ક્વોલિફાયર ટૂર્નામેન્ટ રમાશે.

આ મોટી ટીમને હજુ સુધી વર્લ્ડ કપની ટિકિટ મળી નથી
એક તરફ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવી ટીમે વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મેળવી લીધી છે, તો બીજી તરફ સાઉથ આફ્રિકા, વેસ્ટઈન્ડિઝ અને શ્રીલંકા જેવી મોટી ટીમ પાછળ રહી ગઈ છે. આ સિવાય આયર્લેન્ડ, ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ્સની ટીમના ભાવિનો નિર્ણય હજુ બાકી છે. સીધી એન્ટ્રી માટે હવે માત્ર 1 સ્લોટ બાકી છે. એટલે કે મે મહિનામાં સુપર લીગ પૂરી થશે, ત્યારે આ 6 ટીમમાંથી માત્ર એક જ ટીમ વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી કરી શકશે. અને બાકીની ટીમે ક્વોલિફાયર ટૂર્નામેન્ટ રમવી પડશે.