ગીતકાર અને ગઝલકાર જાવેદ અખ્તરે મુસ્લિમ પર્સનલ લો પર આકરા પ્રહારો કર્યા હતા લેખક જાવેદ અખ્તરના જીવન પર એક પુસ્તક પ્રકાશિત થયું છે. જેનું નામ છે- ‘જાદુનામા’. જૉકે ખરેખર જાવેદ અખ્તરનું બાળપણનું નામ જાદુ છે. આ નામ તેમના પિતા જાં નિસાર અખ્તરે તેમની પોતાની એક કવિતા પરથી લીધેલું હતું.
કોમન સિવિલ કોડ બિલ પર જાવેદ અખ્તરે મુસ્લિમ પર્સનલ લો પર આકરા પ્રહારો કર્યા હતા. કહ્યું- મુસ્લિમ પર્સનલ લોમાં એકથી વધુ પત્ની રાખવાની છૂટ છે, તે સમાનતાની વિરુદ્ધ છે. જો પતિ અનેક પત્નીઓ રાખી શકે છે, તો મહિલાને પણ તે હક મળવો જોઈએ. એક કરતાં વધુ લગ્ન કરવા એ આપણા કાયદાની વિરુદ્ધ છે. જો કોઈ પોતાની પરંપરાઓ જાળવવા માંગે છે, તો તેને જાળવી રાખો, પરંતુ બંધારણ સાથે કોઈ ચેડાં સાંખી લેવામાં આવશે નહીં.
તેમણે કહ્યું- ‘હું પહેલાથી જ કોમન સિવિલ કોડનું પાલન કરું છું. હું મારી પુત્રી અને પુત્રને સમાન મિલકત આપીશ. મુસ્લિમ પર્સનલ લો મુજબ, જો છૂટાછેડા થાય છે,તો 4 મહિના પછી પતિ પત્નીને ભરણપોષણ આપવા માટે બંધાયેલો નથી. આ ખોટું છે.
જેઓ કોમન સિવિલ કોડ જારી કરે છે તેમને કહો, શું તેઓ તેમાં વિશ્વાસ રાખે છે?
જાવેદ અખ્તરે સવાલ ઉઠાવતા કહ્યું- ‘મારે જાણવું છે કે જે રાજકારણીઓ કોમન સિવિલ કોડની વાત કરી રહ્યા છે, શું તેઓ પોતાની બહેન-દીકરીઓને સંપત્તિમાં સમાન હિસ્સો આપે છે? કોમન સિવિલ કોડનો ડ્રાફ્ટ પહેલા આવવો જોઈએ. ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં શું એક કાયદો હોઈ શકે? આ પણ ચર્ચાનો વિષય છે. જો કોઈની પાસે પર્સનલ લૉ હોય તો તે હોય, પરંતુ જો મારે પર્સનલ લૉ અને બંધારણમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય તો હું બંધારણને આગળ રાખીશ. એમ પણ તેમણે જણાવ્યું હતું.