- કે.જે.પોલીટેક્નિક કોલેજ ખાતે પાંચેય વિધાનસભાની 100 રાઉન્ડમાં મતગણતરી
- દરેક રાઉન્ડમાં 15 EVM અને 10 હજાર મતોની ગણતરી
- અંકલેશ્વર બેઠક ઉપર 4 ઉમેદવાર હોય સૌથી વહેલું અને વાગરા બેઠક ઉપર 9 ઉમેદવારોને લઈ સૌથી મોડું પરિણામ આવશે
- દરેક વિધાનસભા ઉપર 15 ટેબલ ઉપર યોજાનાર ગણતરીમાં 225 થી વધુ સ્ટાફ જોડાશે
- ભરૂચ બેઠકને બાદ કરતાં વાગરા, ઝઘડિયા, જંબુસર અને અંકલેશ્વર બેઠક ઉપર રસાકસને લઈ સૌની નજર
ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો માટે થયેલા કુલ 67.54 ટકા મતદાનના પરિણામો આવતીકાલે ગુરુવારે સવારથી મતગણતરી સાથે ખુલવાના શરૂ થઈ જશે. પાંચ બેઠકો ઉપર પાંચ વર્ષ માટે ધારાસભ્ય કોણ તેના નામ 8.51 લાખ મતદારોના મત પરિણામ સ્વરૂપે ખોલશે.
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે પેહલી ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાનમાં 12.67 લખામાંથી 8.51 લાખ મતદારોએ મતદાન કર્યું હતું.
ભરૂચની કે.જે.પોલીટેક્નિકમાં આવતીકાલે ગુરૂવારે સવારે 8 કલાકથી મતગણતરી યોજાનાર છે. કુલ 75 ટેબલ ઉપર 100 રાઉન્ડમાં 225 કર્મચારીઓ મત ગણતરીમાં જોડાશે. જેમાં દરેક રાઉન્ડમાં 15 ઇવીએમ ખોલી 10 હજાર મતોની ગણતરી થશે.
અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર 4 ઉમેદવાર હોય સૌથી પહેલું અને વાગરા બેઠક ઉપર 9 ઉમેદવાર હોય સૌથી મોડું પરિણામ આવવાની શક્યતા છે. ભાજપ, કોંગ્રેસ, આપ, અપક્ષ સહિત કુલ 32 ઉમેદવારોને કોને કેટલા મત મળ્યા અને કોને વિધાનસભા વાઇઝ પ્રજાનો 5 વર્ષ માટે જનપ્રતિનિધિનો જનાદેશ તે બપોર સુધીમાં જારી થઈ જશે.
વિધાનસભા વાઇઝ મતગણતરી ઉપર નજર કરીએ તો…
સૌથી વધુ ઝઘડિયા બેઠક ઉપર 76.20 ટકા મતદાન થયું છે. તેની મતગણતરી 23 રાઉન્ડમાં હાથ ધરાશે. વાગરા બેઠક ઉપર 71.73 ટકા મતદાન સામે મતગણતરી 20 રાઉન્ડમાં, જંબુસર બેઠક ઉપર 67.53 ટકા મતદાન અને મતગણતરી 20 રાઉન્ડમાં, અંકલેશ્વરનું 63.97 ટકા માટે 19 રાઉન્ડ અને ભરૂચનું 58.27 ટકા મતદાનમાં કાઉન્ટીગ 18 રાઉન્ડમાં ધરાશે.
તમામ વ્યવસ્થા, બંદોબસ્ત સાથે પાર્કિંગ દુધધારા ડેરીના ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓને પણ કાઉન્ટીગ રૂમમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.