- રીટેલ ફુગાવો ઘટીને 5.88 ટકા તો ખાદ્ય ફુગાવો 4.67 ટકા નોંધાયો…
થોડાક જ દિવસ પહેલા આરબીઆઇએ જણાવ્યું હતું કે ફુગાવાના સૌથી ખરાબ દિવસો હવે દૂર થઇ ગયા છે અને ફુગાવો હવે ધીમે ધીમે ઘટશે. જો કે આરબીઆઇએ જણાવ્યું હતું કે તે રીટેલ ફુગાવા પર ચાંપતી નજર રાખી રહી છે અને આગામી ૧૨ મહિના સુધી ફુગાવો ચાર ટકાથી વધુ રહેશે.
દેશની પ્રજા માટે સારા સમાચાર આવ્યા છે. દેશમાં રીટેલ ફુગાવો ૧૧ મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગયો છે. નવેમ્બર મહિનાના રીટેલ ફુગાવાના આંકડા મુજબ નવેમ્બરમાં કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવો ઘટીને ૫.૮૮ ટકા નોંધવામાં આવ્યો છે. રીટેલ ફુગાવો આરબીઆઇના લક્ષ્યાંક ૨ થી ૬ ટકાના દાયરામાં આવી ગયો છે. આ પ્રથમ વખત છે જ્યારે મોંઘવારી આરબીઆઇના લક્ષ્યાંકની અંદર છે. નવેમ્બર, ૨૦૨૨માં ખાદ્ય ફુગાવો ૪.૬૭ ટકા રહ્યો છે. જે ગયા મહિને એટલે કે ઓક્ટોબર, ૨૦૨૨માં ૭.૦૧ ટકા હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ ગયા સપ્તાહમાં રેપો રેટમાં ૦.૩૫ ટકાનો વધારો કર્યો હતો. આ સાથે જ રેપો રેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયો છે. જો કે હવે રીટેલ ફુગાવો ઘટીને ૬ ટકાની નીચે આવી ગયો છે.