- નવસારીના કછોલી ગામની આદિવાસી સમાજની દીકરીની ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સમાં પસંદગી થઈ…
નવસારી જિલ્લાના કછોલી ગામની આદિવાસી સમાજની દીકરી ધર્મિષ્ઠા નાયકાની ઈન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સમાં પસંદગી થઇ હતી. સેનામાં મહિલાઓની ભાગીદારીના પગલે ખાલી પડેલી જગ્યામાં નવસારીની ધર્મિષ્ઠા નાયકાએ સેનાના તમામ માપદંડોમાં પાસ કરીને દિલ્હીમાં નિમણુંકપત્ર લઈ ત્યાંથી સેનામાં તાલીમ માટે જશે. આમ હવે નજીકનાં દિવસોમાં ભાઇની એકની એક બહેન રાષ્ટ્રની સેવા કરશે. પિતા બોટમાં મજુરીએ જતા ગુમ થયા બાદ પિતાની જવાબદારી અદા કરી ભાઈએ એકની એક બહેનનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું એથી એમ કહી શકાય કે જેને ઉડવું છે તેને ગગન મળી રહે છે’ એ ઉક્તિને ધર્મિષ્ઠા નાયકાએ સાર્થક કરી છે.
અડગ મનના માનવીને હિમાલય નડતો નથી
રાષ્ટ્ર હિતની વાત બોલવામાં સારી લાગે પણ જ્યારે રાષ્ટ્ર માટે કંઈ કરી છૂટવાનું આવે ત્યારે ભલભલાના હાજા ગગડી જાય છે પરંતુ અડગ મનના માનવીને હિમાલય નડતો નથી એ ઉક્તિ ધર્મિષ્ઠા નાયકાને લાગુ પડે છે. સામાન્ય ઘરની તેના પિતા ચાર વર્ષ અગાઉ બોટમાં મજૂરી કામ કરવા ગયા હતા. પરંતું પિતાનો આજદિન સુધી કોઈ પત્તો લાગ્યો નથી. તેનો એકનો એક ભાઈ અંકિત નાયકા એક-બે વાર પિતાની ભાળ મેળવવા ઓખા જઇ આવ્યા છતાં કોઈ ભાળ મળી નથી. ઓછુ ભણેલા ભાઈ અંકિતને બહેન ધર્મિષ્ઠાએ દેશસેવા માટે સેનામાં જોડાવવું છે તેમ જણાવ્યું હતું. જેને પગલે બહેનના સ્વપ્નને પૂર્ણ કરવા ગામના જ પ્રાકૃતિક સ્થળોએ બહેનની સાથે ગામમાં જ તાલીમમાં મદદરૂપ બન્યા હતા. આખરે ભાઈની મહેનત રંગ લાવી અને બહેન ધર્મિષ્ઠાની અમદાવાદમાં યોજાયેલ ઇન્ડો તિબેટીયન ફોર્સમાં પસંદગી થઈ હતી. ધર્મિષ્ઠા દેશ સેવાનું પ્રથમ પગલું નિમણુંક પત્ર અને અન્ય કાર્યવાહી માટે દિલ્હી જનાર છે. રાષ્ટ્ર હિત માટે બહેનને સેવા માટે મોકલનાર અંકિત એ સાચા અર્થમાં ભાઈ તરીકેની ફરજ બજાવી છે.