નાસાના સૌથી શક્તિશાળી જેમ્સ વેબ ટેલિસ્કોપે ગજબની શોધ કરી છે. વૈજ્ઞાનિકોને 8 અને 10 અબજ વર્ષ જૂની બે ગેલેક્સી મળી છે. બીજી ગેલેક્સી 19 અબજ પ્રકાશવર્ષ દૂર છે. બંનેના રંગ લાલ છે. એ આપણી મિલ્કી વે ગેલેક્સીની જેમ જ સ્પાઈરલ ગેલેક્સી છે.
સ્પાઈરલ ગેલેક્સી શું છે?
બ્રહ્માંડમાં સ્પાઈરલ ગેલેક્સી આકાશગંગાનો સૌથી સામાન્ય પ્રકાર છે. એ હંમેશાં એક્ટિવ રહે છે અને એમાં તારાઓનું ફોર્મેશન થતું રહે છે. આ પ્રકારની ગેલેક્સીનો રંગ વાદળી દેખાય છે, કારણ કે અલ્ટ્રાવાયોલેટ લાઈટમાં તારાઓ ચમકે છે. જોકે અમુક આકાશગંગાઓ લાલ રંગની પણ હોય છે. એના તારા જૂના થઈ ગયા હોય છે અને એ ભારે માત્રામાં ગેસથી ઘેરાયેલા હોય છે.
જેમ્સ વેબ ટેલિસ્કોપે સ્પષ્ટ ફોટા લીધા
સંશોધકોએ કહ્યું, RS13 અને RS14 નામની આ બે ગેલેક્સીને પહેલાં પણ શોધવામાં આવી ચૂકી છે. આ પહેલાં હબ્બલ સ્પેસ ટેલિસ્કોપ અને સ્પિટ્ઝર સ્પેસ ટેલિસ્કોપે આ સફળતા હાંસલ કરી હતી, પરંતુ સીમિત રેઝોલ્યુશન અને સેન્સિટિવિટીને કારણે ગેલેક્સીના આકાર અને ગુણો પર અભ્યાસ કરવો નામુમકિન હતો, જોકે જેમ્સ વેબ ટેલિસ્કોપે આ મર્યાદાને પાર કરીને ગેલેક્સીના સ્પષ્ટ ફોટા લીધા.
લાલ સ્પાઈરલ ગેલેક્સી અત્યંત દુર્લભ
વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે લાલ રંગની સ્પાઈરલ ગેલેક્સી જોવા મળવી અત્યંત દુર્લભ છે. આવું એટલા માટે થાય છે, કારણ કે એ સ્પાઈરલ ગેલેક્સીનો માત્ર 2% જેટલો ભાગ હોય છે. આશ્ચર્યની વાત એ છે કે RS13 અને RS14 ગેલેક્સીને એક જ ફોટોમાં કેપ્ચર કરવામાં આવી છે. વૈજ્ઞાનિક SMACS J0723.3-7327 ગેલેક્સી ક્લસ્ટરનો અભ્યાસ કરી રહ્યા હતા.
RS14 સૌથી દૂર સ્થિત ગેલેક્સી છે
સંશોધકો મુજબ RS14 ગેલેક્સી 10 અબજથી પણ વધુ વર્ષ પહેલાં બનવા લાગી હતી. બ્રહ્માંડનું વિસ્તરણ થવાના કારણે આજે એ આપણાથી 19 અબજ પ્રકાશવર્ષ દૂર છે. સંશોધન મુજબ આ પ્રકારની ગેલેક્સીની શોધ બ્રહ્માંડમાં છુપાયેલાં રહસ્યો અને વર્ષોથી એ વિસ્તારમાં થતી ગતિવિધિઓથી અવગત કરાવે છે. આ સંશોધન ધ જર્નલ એસ્ટ્રોલોજિકલ જર્નલ લેટર્સમાં પ્રકાશિત થયું હતું.
ફુડામોટોએ જણાવ્યું હતું કે અમારા અધ્યયનમાં પ્રથમ વખત દર્શાવવામાં આવ્યું છે કે પ્રારંભિક બ્રહ્માંડમાં નિષ્ક્રિય સ્પાઈરલ ગેલેક્સીઓ વિપુલ પ્રમાણમાં હોઈ શકે છે. આ પેપર પ્રારંભિક બ્રહ્માંડમાં સ્પાઈરલ ગેલેક્સીઓ વિશેનો એક પ્રાયોગિક અભ્યાસ છે, ત્યારે આ અભ્યાસની પુષ્ટિ અને વિસ્તરણ મોટે ભાગે ગેલેક્ટિક મોર્ફોલોજીની રચના અને ઉત્ક્રાંતિ વિશેની આપણી સમજને અસર કરશે.