એમ કહેવાય છે કે સુરક્ષા અને સલામતી પહેલા તેથી જ પ્રમૂખ સ્વામિ નગરમાં બહુગામી સલામતી ઊભી કરવામાં આવી છે. 3500 જેટલાં સ્વયંસેવકો ખડેપગે તૈનાત કરવામાં આવ્યા છે. તેની સાથે 800 થી 900 જેટલાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. આ સલામતી દળ નગરમાં સેવામાં આવતાં સ્વયંસેવકો, મુલાકાતીઓથી માંડીને ફલો કંટ્રોલ અને ક્રાઉડ કંટ્રોલનું પણ કામ કરે છે. સતત 24 કલાક સુધી આ સલામતીનું કામ ચાલે છે. જેમાં તાલિમબધ્ધ સ્વયંસેવકો અને બી.એ.પી.એસ. સાથે જોડાયેલાં નિવુત્ત પોલીસ અધિકારી, આર્મી તેમ જ એરફોર્સના અધિકારીઓ ઉપરાંત 30થી 35 પોલીસ અધિકારીઓ તો ફરજ પર રજા મૂકીને સેવામાં જોડાયાં છે. રાત-દિવસ સતત 24 કલાક સુધી કાર્યકરોને તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. સલામતી દળના વડા તરીકેની ફરજ બજાવતાં નિર્મલસિંહ રાણાએ જણાવ્યું હતું કે, નગરમાં જુદા જુદા 45 વિભાગો ઊભા કરવામાં આવ્યા છે. સલામતી વિભાગની સેવા માટે 3500 સ્વયંસેવકો છે. નગરના પાંચ ઝોન એથી માંડીને ઇ ઊભાં કરવામાં આવ્યા છે. દરેક ઝોનમાં કાર્યકરો, સ્વયંસેવકોને મૂકવામાં આવ્યા છે. કોઇપણ સ્થળે ટીમ ત્વરિત પહોંચી શકે એટલે ડિસ્ટન્સ પ્રમાણે ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ જરૂર પડયે કોઇ જોવા લાયક સ્થળ જેમ કે લાઇટ એન્ડ સાઉન્ડ સ્થળે ક્રાઉડ વધી ગયું છે તેવા મેસેજ મળે તો તેની મદદે આસપાસની ટીમો સ્થાનિક સ્વંયસેવકોની વ્હારે પહોંચી જાય છે. નગરની સલામતી ઉપરાંત ઉતારામાં રહેતાં 40,000 સ્વયંસેવકો રહે છે. તેમની અને નગરની મુલાકાતે આવનારા દરેક વ્યક્તિની સલામતીનું કામ કરવામાં આવે છે. આ સેવા સતત 24 કલાક સુધી ચાલુ રહે છે. આ ઉપરાંત મોટાભાગે લોકો ટ્રાન્સપોર્ટમાં રાત્રે આવે છે તેમની પણ કાળજી લેવામાં આવે છે. ઓછામાં ઓછી 500થી વધુ બસો દરરોજ નગરમાં આવે છે. તેમાં પણ કોઇ આવીને સામાન કોઇનો ખોલે નહીં તેની પણ સતત દેખરેખ રાખવામાં આવે છે. સાથેજ નિર્મલસિંહ રાણાએ વધુમાં જણાવ્યું કે, ફાયરનો વિભાગ પણ ઊભો કરાયો છે. નગરમાં કાપડ, પ્લાસ્ટીક, ફાયર ગ્લાસનો ઉપયોગ થયો હોવાથી તેની સાવચેતી માટે ફાયર વિભાગ કામ કરે છે. તેમાં દરેક જગ્યાએ ફાયર એક્ટીગ્વીશર અને દરેક સ્થળે ટ્રેઇની ફાયર ફાયટર છે. તેમને તાલીમ આપવામાં આવી છે. તેઓ સતત પેટ્રોલિંગ કરતાં રહે છે. નગરમાં સાત ગેટ ઉપરાંત પાર્કિંગ સહિતના ગેટ ગણીએ તો 24 ગેટ થાય છે. જેમાંથી વ્યક્તિઓ અને વાહનો આવે છે. ત્યાં પણ 24 કલાક ડ્યુટી પર કાર્યકરોને તૈનાત કરાયાં છે. કોને જવા દેવા, તપાસવા વગેરે કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત સોશિયલ મીડિઆમાં ખોટો પ્રચાર કરતાં કે નુકસાન કરતાં હોય તેના માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મદદ લેવામાં આવે છે. સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીને સમયસર પગલાં લેવાની કામગીરી પણ છે.
સલામતી દળમાં પસંદગીના ધોરણો અંગે તેમણે કહ્યું કે, દરેક તાલુકામાંથી સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવી છે. અગાઉ મહોત્સવમાં આ જ કામગીરી કરનારા લોકો પણ છે. ખાસ વાત તો એ છે કે, જે વ્યક્તિ એવું માને કે મારા ગુરુ માટે હું શું કરી શકું તેની સાથોસાથ વિવેક અને શક્તિ ધરાવતાં વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે છે. શક્તિ હશે ત્યાં સુધી જગ્યા છોડશો નહીં અને કોઇને અપમાનિત કરશો નહીં અને તમારી નજર ચુકવી કાંઇ બને નહીં. આ ત્રણ બેઝિક સિધ્ધાંતોથી સ્વયંસેવકો સારા મળી જાય છે. અગત્યની વાત તો એ છે કે, ગુરુ ભક્તિ અને નિષ્ઠા ના હોય તો આ કામગીરી કદાવર વ્યક્તિ પણ ના કરી શકે. આ દળના સ્વયંસેવકોને સલામતી માટે ખાસ તાલિમ શિબિર યોજવામાં આવી હતી.મુલાકાતી કે અન્યને નગર દર્શન માટે આવતી વ્યક્તિને બળજબરી (ફોર્સ) કરવામાં આવે છે તેવું ના લાગે તે માટે સ્વયંસેવક પ્રથમ હાથ જોડીને જ પ્રજા સાથે નમ્રતાપૂર્વક સમજાવે છે. મહંતસ્વામીનું સૂત્ર છે કે દાસના દાસ એટલે અમારે તે દાસ બનીને જ કામ કરવાનું રહે છે. તેમાં ખોટાં માણસો પણ આવી ના જાય તે માટે પહેલેથી જ એવી તાલિમ આપવામાં આવી હતી કે માણસને જુઓ અને ઓળખો. તેની આંખ પણ ઓળખવાની તથા તેનું વર્તન પણ જોવાની પણ તાલીમ આપવામાં આવી હતી. તેના માટે રિટાર્યડ પોલીસ, આર્મી તેમ જ એરફોર્સના અધિકારીઓનું એક ડિપાર્ટમેન્ટ પણ ઊભું કર્યું છે. જેઓ સત્સંગી છે. એટલે તે અમારી સીસ્ટમ પ્રમાણે હેન્ડલ કરે છે. ધોલધપાટ કે અન્ય રીતે કોઇ કાર્યવાહી કરાતી નથી. જો ખોટો માણસ હોવાનું જણાય તો તેને સમજાવીને અને હાથ જોડીને ત્યાંથી દૂર કરવામાં આવે છે સીસીટીવીમાં જે સ્વયંસેવકો કામ કરે છે તેમનું ગ્રાઉન્ડ લેવલે કામ કરતાં સ્વયંસેવકો સાતેનું સંકલન છે તેના માટેનું યોગ્ય કામ કર્યું છે.
આખું નગર 600 એકરમાં છે. નગરને 5 ઝોનમાં એથી માંડીને ઇ સુધી ડિવાઇડ કરવામાં આવ્યું છે. સીસીટીવીનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે. તેના પર કાંઇ પણ દેખાય એટલે સીધું ગ્રાઉન્ડ લેવલના મેમ્બર્સને સૂચના આપીએ છીએ. કામ કરવા માટે દરેક ઝોનમાં 20 માણસોની ક્વીક રિસ્પોન્સ ટીમ પણ ઊભી કરવામાં આવી છે. જેમાં 100 માણસો છે. નગરમાં કોઇ જગ્યાએ ફલો અથવા ક્રાઉડ વધી જવું કે પછી અન્ય પ્રશ્ન ઊભો થાય તો ઝોનની વ્યક્તિઓ ઉપરાંત આસપાસની કવીક રિસ્પોન્સ ટીમ તાત્કાલિક ત્યાં દોડી જાય છે. અને નગરની બહારે પાર્કિંગ કે અન્ય સ્થળે ક્રાઉડ કે ફલોને ડાયવર્ટ કરવામાં આવે છે. અને નગરની અંદર હોય તો તેના વિકલ્પો અને પ્લાન વિચારી રાખ્યા છે. તેમને કયાંથી કયા શિફ્ટ કરવા તેના માટે જરૂરી બેરીકેડ, દોરડાં તેમ જ માણસો ઊભા રહીને ક્રાઉડને ગાઇડ કરવામાં આવે છે. જેથી કરીને કોઇ જગ્યાએ ભીડ ના થાય અને ધક્કામુક્કી ના થાય અને મુલાકાતીઓ શાંતિથી નગરના દર્શનનો લાભ લે અને આનંદ લઇ શકે.