- તીર્થોની જનની નર્મદાના જતન, સંવર્ધન અને વૃક્ષારોપણ માટે લેવડાવ્યો સંકલ્પ
- નર્મદા મિશન સાથે સદગુરૂની છેલ્લા 26 મહિનાથી માત્ર નર્મદાનું નીર પી પરિક્રમા
અમરકંટકથી 43 દિવસ પેહલા નર્મદા મિશન સાથે નીકળેલા 26 મહિનાથી માત્ર નર્મદાના નીર આરોગતા સમર્થ સદગુરુ દાદાગુરૂ પરિક્રમા કરતા ઝાડેશ્વર નિલકંઠેશ્વર મંદિરે આવી પોહચ્યા હતા.માત્ર નર્મદા નદીના નીર પી રહેતા નિરહારી બાબાના દર્શન અને તેમની વાણી સાંભળવા હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. આ નિરહારી પરિક્રમાવાસી દાદાગુરૂએ પ્રથમ નિલકંઠેશ્વર મહાદેવની આરતી ઉતાર્યા બાદ સત્સંગ કર્યો હતો. તેમના દર્શન માટે પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, મહામંત્રી નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના ભાજપના આગેવાનો, સંતો, મહંતો, પ્રજા, વિધાર્થીઓ અને પરિક્રમાવાસીઓ ઉમટી પડ્યા હતા. તેમની સાથે સોખડાના ત્યાગવલ્લભ સ્વામી પણ જોડાયા હતા.

નર્મદા નદી નહીં પણ સદી હોવાનું અને તીર્થોની જનની હોવાનું પોતાના પ્રવચનમાં દાદાગુરૂએ કહી મહાશક્તિ નર્મદા મૈયાની ગાથા, તેની શક્તિ અને મહાત્મ્ય સાથે પરિક્રમાનું વર્ણન કર્યું હતું.તેમણે જીવ, જગત અને બ્રહ્માંડમાં જેટલા ચક્રો છે તેને ગતિ પ્રદાન કરનાર ક્રિયા શક્તિ નર્મદા નદીને ગણાવી હતી. ભરૂચની પ્રજાને નર્મદાની પૂજા કરવા, કચરો નહિ નાખવા, કાંઠાને વૃક્ષો વાવી હરિયાળો બનાવવા રેવા દ્વારે વિસર્જન નહિ પણ સર્જન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. નર્મદા અષ્ટકમ બાદ તેઓ અને અન્ય જનમેદની એ નર્મદા મૈયાની મહાઆરતી ઉતારી હતી.