- વાપી-ભાગવાડા ટોલબૂથ પાસે ધરણાં કરી નિર્ધાર કર્યો
- ધરણાં કરનારાઓની ધરપકડ કરવા બે ખાલી બસ લવાઈ
- ૬૦ પોલીસ અધિકારીઓ તૈનાત કરી દેવાયા, છતાં ધરણા યોજાયા
કરજણ-મુંબઈ રૃટ પરના ટોલ વસૂલીમાં ચલાવવામાં આવતી લૂંટ અટકાવવાને મુદ્દે ૧૫ જાન્યુઆરી સુધીમાં સરકાર નિર્ણય નહિ લે તો ગુજરાત સહિત દેશભરના ટ્રાન્સપોર્ટર્સ તેમની ટ્રકને કરજણ-મુંબઈ રૃટ પર મોકલવાનું અટકાવી દેશે. કરજણ – મુંબઈ રૃટ પર ટોલની રકમમાં નિયમ કરતાં ૬૦ ટકા વધુ રકમ વસૂલીને લૂંટ ચલાવવાના સરકારના વલણના વિરોધમાં આજે વાપી નજીક નાગવાડા ટોલબૂથ પાસે દેશભરમાંથી આવેલા ટ્રાન્સપોર્ટર્સે ધરણાં યોજીને આવેદન પત્ર પણ આપ્યું હતું. કેન્દ્ર સરકારે જ નક્કી કરેલા નિયમ મુજબ કરજણ મુંબઇ રૃટ પર રૃા.૧૧૦૦ વસૂલવાના થાય છે. તેની સામે ટ્રકમાં માલ લઈ જનારાઓ પાસે રૃા. ૨૫૯૦ વસૂલી લૂંટ ચલાવવામાં આવી રહી છે. આ ધરણાંમાં ગુજરાત, દિલ્હી, મુંબઈ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુના ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના હજારો હોદ્દેદારોએ પણ ભાગ લીધો હતો. અમદાવાદથી મુંબઈ જતાં ધોરીમાર્ગ પર વડોદરા ભરૃચ, ભરૃચ-સુરત, બોરિયા., ભગવાડા, ચારોટી, કાણેવાડી ટોલ બૂથ પર નિયમ કરતાં ૬૦ ટકા ઊંચો ટોલ વસૂલવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ છે. આ ધરણા સાથે જ તેમણે સરકાર તેરી તાનાશાહી નહિ ચલેગી, નહિ ચલેગીના નારા પણ લગાવ્યા હતા.
આજે વાપીમાં ધરણા યોજીને ટોલની વસૂલીમાં ચલાવાતી લૂંટનો વિરોધ કરનાર અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના એક્ઝિક્યુટિવ પ્રેસિડન્ટ મુકેશ દવેએ જણાવ્યું હતું કે કરજણ મુંબઈ રૃટ બિલ્ટ ઓપરેટ અન્ટ ટ્રાન્સફરના ટેન્ડર હેઠળ ટોલ વસૂલીની નિર્ધારિત કરેલી મર્યાદા પૂરી થઈ ગઈ છે. પૂર્ણ ટોલ વસૂલવાની મુદત પૂરી થઈ ગયા પછી નક્કી કરેલી ટોલની રકમના માત્ર ૪૦ ટકા જ ટોલ વસૂલવાનો નિયમ છે. છતાં આજે એક વર્ષથી સંપૂર્ણટોલ વસૂલવામાં આવી રહ્યો છે. તેથી ટ્રાન્સપોર્ટર્સ અને અન્ય વાહન ચાલકોએ મળીને મહિને રૃા.૨૦ કરોડ વધુ ટોલ ટેક્સ અને વરસે રૃા. ૨૫૦ કરોડ જેટલો વધુ ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે. માર્ગપરિવહન મંત્રી નીતિન ગડકરીને સંબોધીને પણ એક પત્ર પાઠવવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટર્સની ટોલની સમસ્યાને તેમાં વાચા આપવામાં આવી છે..