- ગ્રાહકોના ખાતામાંથી પૈસા કપાયા, પરંતુ રોકડા નીકળ્યા નહીં..
- મશીન સાથે છેડછાડ કરતો ચોર CCTVમાં કેદ
ATM માથી નાણાં ચોરી કરવા માટે ચોરો નવી નવી તરકીબ અજમાવતા હોય છે. તાજેતરમા હરિયાણામાં ચોરે એવી તરકીબ અજમાવી કે જેથી ગ્રાહકના ખાતામાંથી નાણાં કપાઈ જાય પરતું નાણાં મળે ચોરને… હરિયાણાના અંબાલા કેન્ટમાં ATM મશીન સાથે છેડછાડ કરીને લોકોની મહેનતની કમાણીનો દુરુપયોગ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. એક ચોર મશીનમાં ચાવી વડે એવું સેટિંગ કરતો હતો કે ગ્રાહકના ખાતામાંથી ટ્રાન્ઝેક્શન થઈ જાય, પણ મશીનમાંથી રોકડ નીકળતી ન હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. મહેશ નગર PNB બ્રાન્ચ મેનેજરે પણ પોલીસને ફરિયાદ કરી છે.
ફરિયાદમાં અંબાલા-જગાધરી રોડ પર સ્થિત PNB શાખાના મેનેજર નિતેશ ગોંડવાલે જણાવ્યું કે બેન્કની શાખામાં ATM મશીન જોડાયેલ છે. 16 ઓક્ટોબર અને 13 નવેમ્બરના રોજ ઘણા ગ્રાહકોએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના ખાતામાંથી પૈસા કપાઈ ગયા હતા, પરંતુ ATM મશીનમાંથી રોકડ કાઢવામાં આવી ન હતી.આ બંને દિવસે આઠ ગ્રાહકો સાથે 51,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. બેન્કે ગ્રાહકની લેખિત ફરિયાદ હેડ ઓફિસ, સર્કલ ઓફિસને મોકલી હતી. બેન્ક દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.બેંક મેનેજરે ATM બૂથમાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ સ્કેન કર્યા બાદ છેતરપિંડીની જાણ થઈ હતી. CCTVમાં એક યુવક માસ્ક પહેરીને ATM બૂથમાં આવતો જોવા મળે છે. તે તેના ખિસ્સામાંથી ચાવી જેવી વસ્તુ કાઢે છે, મશીનનો ઉપરનો દરવાજો ખોલે છે અને ત્યાં કંઈક મૂકે છે અને મશીન બંધ કરીને જતો રહે છે.બેન્ક મેનેજરે જણાવ્યું કે જ્યારે કોઈ ગ્રાહક ATMમાંથી પૈસા ઉપાડતો હતો ત્યારે તેના ખાતામાંથી ટ્રાન્ઝેક્શન ચોક્કસપણે થતું હતું, પરંતુ રોકડ નીકળતી નહોતી. એ પછી ઠગ ફરીથી ચાવી વડે મશીન ખોલે છે અને પૈસા ઉપાડી લે છે. મેનેજરે જણાવ્યું કે આવું 2 દિવસમાં ઘણી વખત થયું હતું.બેન્ક મેનેજરે મહેશ નગર પોલીસ સ્ટેશનને CCTV ફૂટેજ સોંપ્યા છે. ચોર ખૂબ જ સરળતાથી ATM મશીન ખોલતા જોવા મળે છે. પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.