Published by : Rana Kajal
રાજ્ય સરકારે નવી શિક્ષણનીતિમાં ધો.6થી 8માં 10 દિવસ બેગલેસ અભ્યાસની શરૂઆત કરવાનું નક્કી કરાયું છે. જે મુજબ વિદ્યાર્થીઓ 10 દિવસ બેગ લીધા વગર સ્કૂલે આવશે. અને આ 10 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિષયોની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ સુથારીકામ, મેટલ વર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃત્તિઓ શીખશે..આ ઉપરાંત બેગલેસ દિવસ દરમિયાન રાષ્ટ્રીય સ્મારકો અને સંગ્રહાયલોની પણ મુલાકાત કરવા માટે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવશે. ગુજરાતમાં પણ નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણનીતિના અમલને લઈને તૈયારીઓ થઈ રહી છે. નવી શિક્ષણનીતિમાં ઓછામાં ઓછા 50 ટકા વિદ્યાર્થીઓને વ્યવસાયિક શિક્ષણ સાથે જોડવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
તેવી જ રીતે ધો.6 થી 8ના બાળકોને 10 બેગલેસ દિવસની પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ વ્યવસાયોનું જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. શિક્ષક આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના રસ અને વલણને જાણી શકશે. જોકે, વિદ્યાર્થીને કોઈ ગુણ અથવા ગ્રેડ આપવામાં આવશે નહીં. શિક્ષક આંતરિક મૂલ્યાંકન તથા ગોપનીય મૂલ્યાંકન કરી શકે છે અને વિદ્યાર્થીઓ દ્વાર પ્રાપ્ત કરેલા શિક્ષણનો આંતરિક રેકોર્ડ પણ રાખી શકે છે.




