- હોસ્ટેલ ગ્રાઉન્ડની દીવાલોને કરાયેલ વોલ પેઈન્ટીંગ માટીના થરમાં દબાઈ
- કલેકટર કચેરી સામે સર્કલ ઉપર સ્થાપિત સ્ટેચ્યુ ઉપરથી ધૂળ ઉડાવતો મનો દિવ્યાંગ જોવા મળ્યો
માય લિવેબલ ભરૂચ હેઠળ હાલમાં જ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડની દીવાલને સુંદર પેઈન્ટીંગથી સજાવાઈ છે. જોકે સેવાશ્રમ રોડની 2.95 કરોડના ખર્ચે થઈ રહેલી કામગીરીમાં દીવાલની સુંદરતા માટીના થરમાં દબાઈ ગઈ છે.
બીજી તરફ કલેકટર કચેરી સર્કલ ઉપર બનાવેલા સ્ટેચ્યુને એક મનો દિવ્યાંગ પોતાના રૂમાલથી ધૂળ ઉડાવી સાફ સફાઈ કરતો તસ્વીરમાં ક્લિક થઈ ગયો હતો.

આ બે તસવીરો જોઈ સહેજ ઉદગાર નીકળે છે કે તંત્ર અને સરકાર દ્વારા શહેરની સુંદરતા તેમજ સુવિધા વધારવા લાખોના ખર્ચે અનેક વિકાસ કામો કરાઈ છે પરંતુ તે બાદ તેની સાર સંભાળમાં આપણે ઉણા ઉતરી રહ્યાં છે.
સ્વચ્છ ભરૂચ સુંદર ભરૂચના મેસેજને એક યુવાને સાર્થક કરતો વીડિયો ઘણું કહી જાય છે. કલેક્ટર કચેરી સામે માતૃ વંદનાના સ્ટેચ્યુને યુવક સાફ કરી રહ્યો છે.

તો બીજી બાજુ હોસ્ટેલ ગ્રાઉન્ડની દીવાલ પર સ્વચ્છ ભરૂચ ભારતનો સંદેશ આપતી પેન્ટિંગ ઉપર વિકાસની માટી ફરીવરીના ફોટા જોવા મળ્યા છે. ડ્રેનેજ લાઈન ખોદકામની માટી નવા બનાવેલ પેન્ટિંગને દબાવી દેતા આ તે કેવો વિકાસ અને આયોજન એ લોક મૂખે ચર્ચાનો વિષય બન્યો છે.