- ટેક્નોલોજીનો નવો યુગ 5જી….
- દેશમાં આ વર્ષે 3.1 કરોડ અને 2028 સુધીમાં 69 કરોડ 5જી યુઝર્સ થઈ જશે….
- વર્ષ 2023 દેશમાં ટેકનોલોજી વર્ષ તરીકે સાબીત થશે.જેમાં કદાચ બાળકોને 3ડી અભ્યાસ, અને ડૉક્ટર વિદેશમાં બેસીને પણ સર્જરી કરી શકશે
દેશમા વર્ષ 2023 ટેકનોલોજીનુ વર્ષ સાબીત થશે. આ વર્ષ દરમિયાન લગભગ દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી આધારિત વિકાસ થાય તેવી તમામ શક્યતાઓ જણાઈ રહી છે..
દેશના અલગ અલગ ભાગોમાં 5જીનું સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે. હવે આ વર્ષે આખા દેશમાં 5જીની જાળ પાથરવાની છે. 5જીની દુનિયા હાઈ ક્વૉલિટીના વૉઈલ કૉલ અને વીડિયો કોલિંગ સુધી મર્યાદિત નહીં હોય, આ એક ક્રાંતિ છે જે સામાન્ય લોકોની સાથે સાથે સંપૂર્ણ ઈન્ડસ્ટ્રીને બદલી નાખશે. તેને એવી રીતે સમજી શકાય કે વર્ષ 2016માં 4જી આવ્યા પછી દેશની ડિજિટલ ઈકોસિસ્ટમમાં મોટું પરિવર્તન થયું હતું. દર મહિને 4500 કરોડ યુપીઆઈ ટ્રાન્જેક્શન થઈ રહ્યા છે. એપ આધારિત સ્ટાર્ટઅપનું પૂર આવી ગયું છે. ઓટીટીએ લોકોના ફિલ્મ અને સિરિયલ જોવાના અનુભવ બદલી દીધા છે. હવે 5જીથી નવી ક્રાંતિ થવાની છે.
દેશની વસતી 141.2 કરોડ છે. 118 કરોડ મોબાઈલ ફોન યુઝર્સ છે. તેમાં 82 કરોડ સ્માર્ટફોન અને 36 કરોડ ફીચર ફોન યુઝર્સ છે. 5જી કનેક્ટિવિટી સાથે એક જીબીપીએસની સ્પીડ મળશે. હાલ 4જી નેટવર્કમાં 100 એમબીપીએસ સુધીની સ્પીડ મળે છે. દેશના 50 શહેરોમાં 5જી સર્વિસ શરૂ થઈ ચૂકી છે અને આ વર્ષના અંત સુધી આખા દેશમં તેનું નેટવર્ક હશે. દેશમાં સ્માર્ટફોન યુઝર્સ 5 વર્ષમાં બે ગણા વધી ગયા છે. ભારતમાં યુઝર્સમાં 5જી નેટવર્ક પર જવાની ઈચ્છા બ્રિટન કે અમેરિકાની તુલનાએ બમણી છે. હાલ દેશમાં 90 લાખ 5જી ફોન છે. 2023માં સ્માર્ટફોનના વેચાણમાં 80% 5જી હશે. 2028 સુધી 69 કરોડ 5જી યુઝર્સ હશે જે કુલ સ્માર્ટફોન યુઝર્સના 53% હશે. 5જી નેટવર્ક પર વીડિયો બફર નહીં કરે. તેની દુનિયા વૉઈસ કૉલ અને હાઇ ક્વૉલિટી વીડિયો સુધી મર્યાદિત નથી. આ દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવશે.
5જી ટેક્નોલોજી આ સેક્ટર્સમાં મોટું પરિવર્તન લાવશે
હેલ્થકેર | રોબોટિક સર્જરી થશે, ક્રિટિકલ કેરનું ભારણ ઘટશે
5જી નેટવર્ક રોબોટિક સર્જરી અને ટેલીમેડિસિનનો યુગ લાવશે. તેનાથી ક્રિટિકલ કેરનું ભારણ ઘટશે. 5જી કનેક્ટેડ એમ્બ્યુલન્સમાં ડૉક્ટર્સની ઓનલાઈન દેખરેખ હેઠળ દર્દીઓની સારવાર શરૂ થઈ શકશે.
મનોરંજન | ક્લાઉડ ગેમિંગ અને 8કે કન્ટેન્ટને ડિવાઈસ પર જોઈ શકાશે
5જીની મદદથી ક્લાઉડ ગેમિંગની મજા માણી શકાશે. એઆર અને વીઆર ડિવાઈસથી ઘેર બેઠા મિક્સ્ડ રિયાલિટીમાં કન્ટેન્ટ જોઈ શકાશે. 4કે તથા 8કે એટલે કે હાઇ રિઝોલ્યુશનવાળા વીડિયો પણ ડિવાઇસ પર જોઈ શકાશે.
શિક્ષણ |3ડીની મદદથી બાળકોને કોન્સેપ્ટ સમજવામાં સરળતા રહેશે
ભારતનું લક્ષ્ય દેશના 25 કરોડ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનું છે. 5જી નેટવર્કથી દરેક સ્તરે શિક્ષણની ગુણવત્તા વધી જશે. 3ડીની મદદથી કોન્સેપ્ટ સમજવામાં મદદ મળશે. દૂર-દૂરના વિસ્તારોમાં ઈ-શિક્ષણ પહોંચશે.
રોબોટિક્સ |લોજિસ્ટિક્સ ખર્ચ 14%થી ઘટી 5%એ પહોંચી શકે છે
કારખાના-વેરહાઉસ, ઘર સુધી ઓટોનોમસ રોબોટિક્સનો ઉપયોગ વધશે. સામાન રાખવા માટે ફેક્ટરીઓમાં રોબોટિક વ્હિકલ વધશે. તેનાથી રિયલ ટાઇમ મોનિટરિંગ થઈ શકશે, લોજિસ્ટિક્સ સેક્ટરમાં ખર્ચને 13-14%થી ઘટાડી 5% સુધી લાવી શકાશે.
રિટેલ સેક્ટરમાં વસ્તુનું નુકસાન 70% સુધી ઘટાડવામાં મદદ મળશે
રિટેલ સેક્ટરમાં વસ્તુના નુકસાનમાં 70%નો ઘટાડો તથા વેચાણમાં 7%નો વધારો થઇ શકે છે. રિયલ ટાઈમ મોનિટરિંગથી સ્ટૉક ટ્રાફિક કે વેરહાઉસમાં એક્સપાયરીના હિસાબે વસ્તુઓનું ટ્રેકિંગ થશે.
ઊર્જા |25 કરોડ સ્માર્ટ મીટર ટ્રેક થશે, ઊર્જા વપરાશ ઘટાડી શકાશે
5જીની મદદથી દેશના 25 કરોડ સ્માર્ટ મીટરનું સચોટ ટ્રેકિંગ થશે. કનેક્ટેડ ઈન્ટેલિજન્સથી ડેટાનું વિશ્લેષણ કરી રિયલ ટાઈમ લોડ શેરિંગ વધુ પ્રભાવી થઈ શકશે. ટ્રાન્સમિશન લૉસ ઘટશે તથા ઊર્જા વધશે.
ખેતી|20% ખર્ચ ઘટી શકે છે અને ઉત્પાદનમાં 50%ના વધારાની શક્યતા
5જીથી ખેડૂતોને વાસ્તવિક સમયમાં હવામાનની જાણકારી મળશે. ખેતી સંબંધિત નિર્ણયો લેવામાં મદદ મળશે. 5જી સંચાલિત ડ્રોનના ઉપયોગથી ખર્ચ 20% સુધી ઘટી શકશે. ઉત્પાદનમાં 30-50% વધારો થઈ શકે છે.