Published by : Anu Shukla
કોરોના મહામારી બાદ વિશ્વમાં અર્થતંત્ર મજબૂત થઈ રહ્યુ છે ત્યારે ભારતનાં ધનિકોની સંપતિમાં વધારો થઇ રહ્યો છે. તેમ છતાં આવનાર દિવસોમા ભારતનાં ધનિકોએ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
વર્ષ 2022માં ભારતના ધનાઢ્યોની સંપત્તિ વધી છે. ભારતમાં દર 10 અલ્ટ્રા હાઇ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલમાંથી અંદાજે 9 (88%)ની સંપત્તિ વધી છે. તે વૈશ્વિક સરેરાશથી બમણાથી વધુ છે કારણ કે દુનિયામાં આ દર 10માંથી 4 અબજપતિની જ સંપત્તિ વધી છે. રિયલ એસ્ટેટ કંપની નાઇટ ફ્રેન્કના ‘વેલ્થ રિપોર્ટ 2023 એટિટ્યૂડ સરવે: ઇન્ડિયા ફાઈન્ડિંગ્સ’ અનુસાર, 35% ધનિકોની સંપત્તિ 10% સુધી વધી છે. તદુપરાંત, 100% ધનિકોને વર્ષ 2023માં સંપત્તિ વધવાની આશા છે.જ્યારે વૈશ્વિક સ્તર પર આ આંક 69% છે. 47%નું અનુમાન છે કે તેમની સંપત્તિ 10%થી વધુ વધશે.
રિપોર્ટમાં સંપત્તિમાં વૃદ્ધિનું કારણ દર્શાવાયું છે કે દુનિયાભરની પ્રમુખ અર્થવ્યવસ્થાઓમાં ઘટાડો થયો હતો, પરંતુ ભારતના સ્થિતિસ્થાપક આર્થિક પ્રદર્શને સંકટના વર્ષમાં પણ ગ્લોબલ ટ્રેન્ડને માત આપી હતી .ભારતીય ધનિકોની સંપત્તિમાં વધારો વિશ્વભરમાં વધુ જણાયો હતો. નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના સીએમડી શિશિર બાલાજીએ જણાવ્યું હતું કે વેપારના તકોની દૃષ્ટિએ ભારત મોટું માર્કેટ બનીને ઉભરી રહ્યું છે. વૈશ્વિક આર્થિક વિકાસની ગતિ ધીમી પડી છે પણ ભારતને તેની અસર થઈ રહી નથી. સાથે જ ભારતના ધનિકોની સંપત્તિમાં વધારો દુનિયાભરના ધનિકોની સંપત્તિમાં વધારા કરતા ઝડપી છે. સાથે જ ભારતીય ધનિકોમાં પ્રોપર્ટીની ખરીદી પણ વધુ છે. ભારતમાં એક ધનિક પાસે સરેરાશ 5થી વધુ મિલકત, જ્યારે વૈશ્વિક સરેરાશ 4.2 છે.
14% ધનિકોએ 2022માં એક મિલકત ખરીદી. જ્યારે 10%ને 2023માં મકાન ખરીદવાની આશા છે. રિપોર્ટ અનુસાર ભારતીય ધનિકોનું ઇક્વિટી રોકાણ 34%, કોર્મશિયલ પ્રોપર્ટીમાં રોકાણ 25%, જ્યારે બૉન્ડમાં રોકાણ 16% છે. સોનામાં 6% અને કારમાં રોકાણ 4% છે. જ્યારે દેશમાં 1% અમીર લોકો પાસે અડધી વસતીની 13 ગણી સંપત્તિ છે.
ભારતના 21 સૌથી ધનિક અબજપતિઓ પાસે દેશના 70 કરોડ લોકો કરતાં વધુ સંપત્તિ છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકના પહેલા દિવસે સોમવારે ઓક્સફેમ ઇન્ટરનેશનલ વૈશ્વિક અસમાનતા રિપોર્ટ જાહેર કર્યો હતો. તે અનુસાર કોરોના બાદથી નવેમ્બર, 2021 સુધી મહત્તમ ભારતીયોને બચત કરવા માટે ઝઝૂમવું પડ્યું હતું, જ્યારે ભારતીય અબજપતિઓની સંપત્તિમાં 121% વધારો થયો હતો. રિપોર્ટ અનુસાર ભારતમાં જ્યાં 2020માં અબજપતિની સંખ્યા 102 હતી, જ્યારે 2022માં આ આંકડો 166 પર પહોંચી ગયો છે.