Published by : Anu Shukla
- MCQ પરીક્ષા છતાં બે ની જગ્યાએ એક જ પેપર સેટ કરાયુ
એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજથી ટીવાયબીકોમની એરિયર ઈન્ટરનલ પરીક્ષાનો પ્રારંભ થયો હતો અને પહેલા જ દિવસે પરીક્ષામાં છબરડો સર્જાયો હતો.
અગાઉ લેવાયેલી ઈન્ટરનલ પરીક્ષામાં નહીં બેસી શકનારા વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી દ્વારા એરિયર ઈન્ટરનલ પરીક્ષા લેવાઈ રહી છે. મેઈન બિલ્ડિંગ, ગર્લ્સ કોલેજ, પાદરા કોલેજ તેમજ જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ એમ વિવિધ યુનિટના વિદ્યાર્થીઓની પરીક્ષા એક જ બિલ્ડિંગ એટલે કે જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ પર લેવામાં આવી રહી છે.
આજે પહેલા દિવસે બિઝનેસ લોનુ પેપર હતુ. ઈન્ટરલ પરીક્ષા એમસીક્યૂ સ્ટાઈલથી લેવાતી હોવાથી સામાન્ય રીતે વિદ્યાર્થીઓ માટે એક કરતા વધારે પેપર સેટ કરવામાં આવે છે. જેથી આગળ પાછળ બેસનારા વિદ્યાર્થીને અલગ -અલગ પેપર મળે. તેની જગ્યાએ આજે પરીક્ષા વિભાગે છબરડો વાળીને તમામ વિદ્યાર્થીઓને એક જ પેપર આપ્યુ હતુ.
બીજી તરફ બેઠક વ્યવસ્થા પણ યોગ્ય રીતે ગોઠવવામાં આવી નહોતા.ચોરી ના થાય તે માટે મેઈન બિલ્ડિંગ, ગર્લ્સ કોલેજ તથા જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ યુનિટના અધ્યાપકોએ દરેક બેન્ચ પર એક જ વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા ગોઠવી હતી. જ્યારે પાદરા કોલેજ દ્વારા દરેક બેન્ચ પર બે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. આમ પાદરા કોલેજના વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરવાનો મોકો અપાયો હોવાના આક્ષેપો પણ કેટલાક વિદ્યાર્થીઓએ કર્યા હતા.