Published by : Anu Shukla
- તમામ મલ્ટીપ્લેક્સને સુરક્ષા મળે અને નુકસાન ન થાય તે માટે રજુઆત કરાશે
હાલમાં સમગ્ર દેશમાં ‘પઠાણ’ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરીષદ દ્વારા આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બજરંગ દળ અને વીએચપીનું કહેવું છે કે આ ફિલ્મમાં સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગર ખાતે મલ્ટીપ્લેક્સ એસોસિએશનના આગેવાનો ગૃહમંત્રીને રજૂઆત કરશે. મલ્ટીપ્લેક્સને નુકસાન ન થાય અને સુરક્ષા મળે તે માટે પણ તેઓ રજૂઆત કરશે.
મલ્ટિપ્લેક્સ એસોશિએશને સરકારને પત્ર લખ્યો
આગામી 25 જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલરને જબરદસ્ત રીસ્પોન્સ મળ્યો છે. પરંતુ ગુજરાતમાં થિયેટર સંચાલકો આ ફિલ્મ રિલીઝ કરવી કે નહીં તેની મુંઝવણમાં છે. તાજેતરમાં જ મલ્ટિપ્લેક્સ એસોશિએશને સરકાર પાસે ફિલ્મ રિલીઝ અંગે પત્ર લખીને સ્પષ્ટતા માંગી છે. થિયેટર એસોસિયેશને પત્રમાં કહ્યું કે, જો ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થવાની હોય તો અમને સુરક્ષા આપવામાં આવે.
મલ્ટીપ્લેક્સ એસોસિયેશન પણ દ્વિઘામાં
ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ નહીં કરવા માટે હિન્દુ સંગઠનોએ ચેતવણી આપી છે. જેને લઈને મલ્ટીપ્લેક્સ થિયેટર એસોસિયેશનના સભ્યો આજે મુખ્યમંત્રીને મળીને રજુઆત કરવાનાં છે. આ ફિલ્મની રિલીઝ વખતે જો કોઈ અનિચ્છનીય ઘટના બને કે વિરોધ થાય તો તેઓને નુકસાન થઈ શકે છે. અગાઉ પદ્માવત ફિલ્મનો વિરોધ થયો હતો. મલ્ટીપ્લેક્સ એસોસિયેશન પણ દ્વિઘામાં છે કે ફિલ્મ રિલીઝ થાય તો તેમની સુરક્ષાનું શું.