Published by : Rana Kajal
વ્યાજખોરો દ્વારા થતા આર્થિક શોષણની હદ આવી ગઇ હોય તેમ ઍક દિવસના દસ ટકા વ્યાજ વસુલતા વ્યાજખોરનો કિસ્સો સપાટી પર આવતા એમ કહી શકાય કે આર્થિક શોષણ તેના સીમાડા વટાવી રહ્યુ છે.
ઍક દિવસના દસ ટકા વ્યાજ જેટલું અધ..ધ વ્યાજ વસૂલ કરતા વ્યાજખોર અંગે વિગતે જોતા ..કોરોના મહામારીમાં જમીન દલાલીનો ધંધો બરાબર ચાલતો ન હોઈ ભાગીદારના પુત્રએ બ્રોકરને બે લાખ રૂપિયા આપ્યા હતા. આ રકમ આપ્યા બાદ આરોપીએ રોજનું દસ ટકા વ્યાજ લેવાની વાત કરતા બ્રોકરે વ્યાજ વધારે હોવાની વાત કરતા આરોપીએ એક લાખ રૂપિયા બીજા દીવસે લઈ લીધા હતા. આરોપીને બ્રોકરે ૧૫ લાખ આપ્યા બાદ હિસાબ પુરો થયાની વાત કરી હતી. જો કે, આરોપીએ બીજા આઠ લાખની માંગણી કરી જમીન દલાલને ગાડી સાથે દોરડાથી બાંધી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આરોપીએ તું રૂપિયા નહી આપે તો તારૂ મકાન અને કાર પડાવી લઈશ તેવી ધમકી આપી તેમજ કોરા ચેકોમાં સહી કરાવી લઈ ગયો હતો. વસ્ત્રાપુર પોલીસે મંગળવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ અંગે વધુ વિગતે જોતા થલતેજમાં લેડીતળાવ પાસે ઠાકોર વાસમાં રહેતાં અને જમીન લે-વેચની દલાલી કરતા ગૌતમ કાળાજી ઠાકોર (ઉં,૩૩)એ પોતાના પૂર્વ ભાગીદાર કિશનજી ભીખાજી ઠાકોરના પુત્ર સાહીલ ઠાકોર સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ૨૦૧૨ની સાલમાં ફરિયાદીના ભાગીદાર કિશનજી ઠાકોરનું અવસાન થયું હતું. તે સમયગાળામાં કોરોના મહામારીમાં જમીનનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી ફરિયાદીએ મૃતક કીશનજીના પુત્ર સાહીલ ઠાકોર પાસેથી ગત તા.૯-૪-૨૦૨૨ના રોજ રૂ.બે લાખ લીધા હતા. સાહીલે તે સમયે જણાવ્યું હતું કે, તું મારા પિતાજીનો ભાગીદાર અને અમારા સમાજનો હોવાથી હું તારી પાસે વધારે વ્યાજ નહી લઉં. દસ દીવસ બાદ સાહીલે ફરિયાદી પાસે આવીને કહ્યું કે, મે આપેલા રૂપિયાનું રોજનું દસ ટકા વ્યાજ થશે. ફરિયાદીએ આટલું વધારે વ્યાજ ના હોય તેમ કહેતાં આરોપી ઉશ્કેરાયો હતો. સાહીલે ફરિયાદી ગૌતમ સાથે બોલાચાલી કરીને તે જ દીવસે રૂ.એક લાખ પરત લઈ લીધા હતા. તે પછી ફરી દસ દીવસ બાદ તેના સાગરિતો સાથે આવેલા સાહીલે ફરિયાદી પાસે આઠ લાખની માંગણી કરીને હુમલો કર્યો તેમજ છ કોરા ચેકમાં સહીઓ કરાવીને લઈ ગયો હતો. સપ્ટેમ્બર,૨૦૨૨માં ગૌતમે આરોપીને ૧૫ લાખ આપી આપડો હિસાબ પુરો તેવી વાત કરતા સાહીલ બરાબર બોલીને નીકળી ગયો હતો. તે પછી ફરી આરોપી સાહીલે વધુ રકમની માંગણી કરી ફરિયાદી અને તેના પરિવારને કાર સાથે બાંધી જાનથી મારવાની ધમકી આપી તેમજ મકાન,કાર બધુ પચાવી પાડીશ તેમ જણાવ્યું હતું. આરોપીની ધમકીથી ડરી ગયેલા ગૌતમ ઠાકોરે બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સાહીલ વિરૂદ્ધ ગુજરાત નાણાં ધીરધાર કરતા અધિનિયમ એક્ટ મુજબ મંગળવારે રાત્રે ફરિયાદ નોંધાવી હતી.