Published by : Anu Shukla
- પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા તૃતીય દીક્ષાંત સમારોહ ની વૈદિક સંસ્કૃતિ મુજબ ઉજવણી
દક્ષિણ ગુજરાતના હાર્દમાં વસેલી પી પી સવાણી યુનિવર્સિટી સુરત દ્વારા તારીખ ૨૪ જાન્યુઆરી ૨૦૨૩, મંગળવારના રોજ દીક્ષાંત તૃતીય સમારોહની યુનિવર્સિટીના પ્રાંગણમાં ઉજવણી કરવામાં આવી છે. અત્રે મુખ્ય અતિથિ તરીકે આચાર્ય દેવવ્રત, ઓનરેબલ ગવર્નર ઓફ ગુજરાત, એ વર્ચુઅલ પ્લેટફોર્મ દ્વારા ઉપસ્થિતિ આપી હતી તથા અતિથિ વિશેષ તરીકે ધીરજલાલ કાટોડિયા, ચેરમેન એસએમટીએલ, સુરત ઉપસ્થિત રહ્યા હતા. પી પી સવાણી યુનિવર્સિટીના પ્રમુખ શ્રી વલ્લભભાઈ સવાણી (બાપજી), ગવર્નિંગ બોડીના સભ્યો, પી પી સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ, ડો. પરાગ સંઘાણી, રજિસ્ટ્રાર, શ્રી સતીપ બિરાદર, ટ્રસ્ટીગણ વિદ્યાર્થીઓ, આચાર્યો, તથા સ્ટાફ વગેરે એ હાજરી આપી હતી.
આ દીક્ષાંત સમારોહમાં બેચલર ઓફ સાયન્સ, બેચલર ઓફ એન્જિનિરીંગ, બેચલર ઓફ નર્સિંગ, બેચલર ઓફ ફિઝિઓથેરાપી, બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ ઇન્ટરિયર ડિઝાઇન અને બેચલર ઓફ બિઝનેશ એડમિનીસ્ટ્રેશનના કુલ ૭૧૯ થી વધુ વિધાર્થીઓને ડિગ્રી, ૨ વિદ્યાર્થીઓને ડૉક્ટર ઓફ ફિલોસોફી ની ડિગ્રી, તથા “૨૨ સુવર્ણ ચંદ્રક (ગોલ્ડમેડલ)” એનાયત કરવામાં આવ્યા હતા.

ઉપસ્થિત મેહમાનો દ્વારા આ કાર્યક્રમના ભાગરૂપે અભિજીત મુહર્તમાં વેદોક્ત વિધીથી યજ્ઞનું આયોજન થયું હતું. જેમાં ભવ્યતા અને દિવ્યતાપૂર્ણ યજ્ઞ સંપન્ન થયો હતો, જે પ્રાચીન ભારતીય સનાતન સંસ્કૃતિ ની અનુભૂતિ કરી રહ્યો હતો.
ડૉ. પરાગ સંઘાણી, પ્રોવોસ્ટ, પી.પી. સવાણી યુનિવર્સિટી મેદનીને સંબોધિત કરતા પી પી સવાણી યુનિવર્સિટીમાં અપાતા શિક્ષણ વિષે માહિતી આપી હતી, ડૉ સંઘાણીએ જણાવ્યું કે પી પી સવાણી યુનિવર્સિટીમાં ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબનું, આધુનિક સુવિધાઓથી સજ્જ, સ્કિલ બેસ્ડ તથા સંસ્કાર યુકત શૈક્ષણિક વાતાવરણ આપવામાં આવે છે. યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓએ ટૂંક સમયમાં દેશ- વિદેશમાં તથા રાષ્ટ્રિય કક્ષાએ તેમની ક્ષમતા સફળતાપૂર્વક પ્રદર્શિત કરી છે.
પી. પી. સવાણી યુનિવર્સિટીમાં ૭પ થી વધુ અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓ ઉચ્ચતમ શિક્ષણ મેળવી રહ્યા છે. પી. પી. સવાણી યુનિવર્સીટી વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સાથે તેના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય તે સ્તરનું ગુણવત્તાસભર અને સંસ્કાર સાથેનું શિક્ષણ આપવા કટિબદ્ધ છે, યુનિવર્સીટી કેમ્પસનું અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈ ટેક લેબોરેટરી અને અનેક વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ વિદ્યાર્થીને અભ્યાસ માટેનું શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડે છે.