Published by : Anu Shukla
- રાષ્ટ્રપતિ-VIPની સુરક્ષા કેવી રીતે કરવી,
- હથિયારના ઉપયોગથી લઈ ભીડ કંટ્રોલની ટ્રેનિંગ લેશે
- રાજસ્થાન પોલીસ ટ્રેનીંગ સેન્ટરના ઈતિહાસમાં આ પહેલી વખત બીજા દેશના કમાન્ડો ટ્રેનિંગ લઈ રહ્યા છે.
રાજસ્થાન પોલીસ પોતાની સિક્યોરિટી અને ભીડ કંટ્રોલ મેનેજમેન્ટને લઈને ઈતિહાસ રચવા જઈ રહી છે. પોલીસની ટીમ હાલ આફ્રિકન દેશ ટોગોના 40 કમાન્ડોને ટ્રેનિંગ આપી રહી છે. અહીંથી ટ્રેનિંગ પૂરી કર્યા પછી આ કમાન્ડો પોતાના દેશના રાષ્ટ્રપતિની સિક્યોરિટી અને VIP મૂવમેન્ટની જવાબદારી સંભાળશે.

RPTCના ઈતિહાસમાં આ પહેલી વખત છે, જ્યારે કોઈ બીજા દેશના કમાન્ડો અહીં ટ્રેનિંગ લઈ રહ્યા છે. આ કમાન્ડોની ત્રણ મહિના સુધી ટ્રેનિંગ ચાલશે. તેમને ઈન્ડોર અને આઉટડોર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એમાં વેપન ટ્રેનિંગ, નેવિગેશન, સિક્યોરિટી મૂવમેન્ટ સહિત ઘણી ટેક્નિક પણ શીખવવામાં આવી રહી છે.
વિરોધપ્રદર્શનમાં ભીડ કંટ્રોલ કેવી રીતે કરાય છે
રાજસ્થાન પોલીસ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ હરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે આ જોધપુર અને રાજ્ય માટે ગર્વની વાત છે કે ટોગો દેશના VIP અને રાષ્ટ્રપતિની સુરક્ષા માટે જોધપુરની આ એકેડમીને પસંદ કરવામાં આવી છે. અહીં તેમને કમાન્ડો અને VIP સિક્યોરિટીની ટ્રેનિંગ આપવામાં આવશે. બે દેશ વચ્ચે સારું સંકલનનું પગલું હશે. તેમને શીખવવામાં આવશે કે રાષ્ટ્રપતિ અને અન્ય VIP લોકોની સિક્યોરિટી કેવી રીતે થાય. આ સિવાય વિરોધપ્રદર્શનમાં ભીડ કંટ્રોલ કેવી રીતે કરવી એ પણ શીખવવામાં આવશે.

રાજસ્થાન પોલીસ ટ્રેનીંગ સેન્ટર(RPTC)
RPTCની રચના 1963માં આરએસી કર્મચારીઓ અને અધિકારીઓની તાલીમ માટે કરવામાં આવી હતી. શરૂઆતમાં તેને આરએસી ટ્રેનિંગ સેન્ટર તરીકે પણ નામ આપવામાં આવ્યું હતું. એ સમયે આ સેન્ટર જોધપુરના બિલાડા રોડ ખાતે કાર્યરત હતું. એની સ્થાપના મંડોરમાં 1964માં કરવામાં આવી હતી. વર્ષ 1983માં આ સેન્ટરનું નામ બદલી રાજસ્થાન પોલીસ ટ્રેનિંગ સેન્ટર રાખવામાં આવ્યું હતું. અહીં આરએસી સિવાય રાજસ્થાન પોલીસના કમાન્ડો પણ ટ્રેનિંગ આપે છે. લગભગ 175 એકરમાં ફેલાયેલું આ કેન્દ્ર રાજસ્થાનનું બીજું સૌથી મોટું પોલીસ પ્રશિક્ષણકેન્દ્ર છે.