- સિવિલ હોસ્પિટલમાં યુવાનને સારવાર અર્થે દાખલ કરાયો
- કોર્ટમાં કેસો ચાલતા હોય અને હાલ નાણાં આપવા અસમર્થ હોય દેવાદારે આપઘાતનો પ્રયાસ કર્યો
ભરૂચ જિલ્લામાં એક તરફ વ્યાજખોરો ઉપર પોલીસ તવાઈ બોલાવી જેલના સળિયા ગણાવી રહી છે ત્યારે વ્યાજખોરોથી ત્રસ્ત બનેલા યુવાને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે.
ભરૂચ જિલ્લા પોલીસ છેલ્લા 15 થી 20 દિવસથી વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવી રહી છે. વ્યાજખોરોની ચૂંગલમાં ફસાયેલા લોકોને ન્યાય અપાવવા સાથે તેમના આતંકથી મુક્ત કરાવવા પોલીસની મોહિમ ચાલી રહી છે.જે વચ્ચે જ પ્રજાસતાક પર્વની રાતે વ્યાજખોરોના અત્યાચારથી આર્થિક અને માનસિક રીતે કંટાળી ગયેલા યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. શહેરની પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા મેહુલ અજિતભાઈ શાહે ફીનાઇલ ગટગટાવી લીધું હતું.જેમને નાદુરસ્ત હાલતમાં પત્ની અને પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં સમયસર સારવાર અર્થે લઈ આવ્યા હતા. યુવાનનો જીવ બચી ગયો હતો. મેહુલે વ્યાજખોરોના ત્રાસની વ્યથા વર્ણવી હતી. કોર્ટમાં કેસ પણ ચાલતા હોય અને તેઓ અપીલમાં પણ ગયા છે. ત્યારે હાલ તેઓ પૈસા આપવા અસમર્થ હોવાથી ફીનાઇલ પીધું હોવાની કેફિયત વ્યક્ત કરી હતી. બે જેટલા વ્યાજખોરો તેઓ અને તેમના પત્નીને ફોન કરી ધમકીઓ આપતા હોવા અંગે પોલીસને નિવેદન આપ્યું હતું.




