Published by : Vanshika Gor
રવિવારના રોજ રાજ્યભરમાં અંદાજે મળીને 9.53 લાખ ઉમેદવારોએ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા. પરંતુ આગલી રાત્રે જ વડોદરાના ખાનગી કોચિંગ સેન્ટરમાં પેપર ફુટતા ગુજરાત એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત ATSએ 15 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પેપર ફુટ્યાની ઘટનાને 24 કલાક વિતતા પહેલા ગુજરાત એટીએસ દ્વારા સંડોવાયેલા 16 જેટલા લોકોની વડોદરા તથા અન્ય રાજ્યોમાંથી ધરપકડ કરી લીધી હતી. પેપર લીક મામલે એટીએસ દ્વારા આરોપીઓના રિમાન્ડની માંગણી માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. સરકારી વકીલ અનિલ દેસાઈ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. જોકે કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મળતી માહિતી અનુસાર પેપર લીક કૌભાંડની શરૂઆત હૈદરાબાદના જ્યુબિલી હિલ વિસ્તારમાં આવેલા કે.એલ.હાઇટેક પ્રિન્ટિંગ પ્રેસ બહાર આવેલી ચાની લારી પરથી થઇ હતી. મળતી માહિતી મુજબ, પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા શ્રધ્ધાકર પાસેથી પેપર ખરીદનાર પ્રદીપ નાયક વડોદરાની સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફિસમાં આવીને ભાસ્કર ચૌધરીને આ પેપર આપવાનો હતો અને અહીં ઝેરોક્ષ કરાવીને પેપરનો વેપાર કરવાનો હતો પરંતુ તે પહેલા જ એટીએસ ત્રાટકી હતી અને તમામને ઝડપી લીધા હતા.
હૈદરાબાદના જ્યુબિલી હિલ વિસ્તારમાં આવેલી કે.એલ.હાઇટેક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા શ્રધ્ધાકર લુહા અને પ્રદિપ નાયકની 20 દિવસ પહેલા પ્રેસની બહાર આવેલી ચાની લારી પર મુલાકાત થઇ હતી. અહીંયા જ બંને વચ્ચે પેપરની કોપીનો સોદો થયો હતો. સોદા મુજબ શ્રધ્ધાકર લુહાએ રૂ. 7 લાખ લઇને પેપરની કોપી પ્રદિપ નાયકને આપી હતી.
અહીંયાથી પેપર વેચવાની આ લિન્ક સતત આગળ વધતી ગઇ હતી. સૌ પ્રથમ પ્રદિપ નાયકે પેપરની કોપી નરેશ મોહંતી અને મુરારી પાસવાનને 5-5 લાખ રૂપિયામાં આપવાનું નક્કી કર્યું હતું. મુરારી પાસવાને કમલેશ ભીખારીને 3.6 લાખમાં તો કમલેશ ભીખારીએ આ પ્રશ્નપત્ર મોહંમદ ફિરોઝને 7 લાખમાં આપવાનું નક્કી કર્યું હતું. મોહંમદ ફિરોઝે આ પેપર સર્વેશને 8 લાખમાં તો સર્વેશે આ પેપર મિન્ટુ તથા મુકેશને 9-9 લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું .
વડોદરાના ભાસ્કર ચૌધરીને પેપરની કોપી મિન્ટુ તરફથી 10 લાખમાં મળશે તેવું નક્કી થયું હતું અને ભાસ્કર ચૌધરીએ આ પેપર ચિરાયુ, ઇમરાન, અનિકેત ભટ્ટ કેતન બારોટ અને રાજ બારોટને 11-11 લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું. તો અનિકેત ભટ્ટ, કેતન બારોટ અને રાજ બારોટે આ પેપર પ્રણષ શર્મા અને હાર્દિક શર્માને 12 લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું.