Published by : Rana Kajal
- સી.પી.સી.બી. દ્વારા જાહેર કરાયેલ અહેવાલમાં ગુજરાતની 13 નદીઓ પ્રદુષિત હોવાનો ઘટસ્ફોટ
- ભરૂચ જિલ્લાની અંકલેશ્વરની આમળા ખાડી તથા વાગરાની ભૂખી ખાડી સમાવિષ્ટ : કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ
સીપીસીબી દ્વારા ભારત દેશની સૌથી પ્રદુષિત નદીઓ અને ચકાસણી કરી તે અંગેનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની 13 નદીઓ પ્રદુષિત હોવાનું નોંધાયું છે આ 13 નદીઓમાં ભરૂચ જિલ્લાની બે નદીઓ સમાવિષ્ટ છે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દેશભરમાંથી વિવિધ નદીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં સી.ઓ.ડી – કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને બી.ઓ.ડી – બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડનું લેવલ ઉપરાંત પી.એચ સહિતની માત્રાની ચકાસણી કરવામાં આવી હતી. ગુજરાતની નદીઓના વિવિધ 67 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને તેમાં 13 જેટલી નદીઓ પ્રદુષિત હોવાનું ફલિત થયું છે.

આ 13 નદીઓમાં ભરૂચ જિલ્લાની 2 નદીઓનો સમાવેશ થાય છે. જેમાં અંકલેશ્વર નજીક આવેલ આમલા ખાડીનું બી.ઓ.ડી લેવલ 49 mg / લીટર જોવા મળ્યું હતું જેને કલાસ 1 માં સમાવિષ્ટ કરવામાં આવી છે તો વાગરા નજીકથી વહેતી ભૂખી ખાડી પણ પ્રદુષિત નદીઓની યાદીમાં આવી ગઈ છે. જેનું બી.ઓ.ડી. લેવલ 3.9 જોવા મળ્યું હતું જેનો ક્લાસ 5 માં સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે બી.ઓ.ડી લેવલ 1 થી 2 પીવાલાયક ગણાય છે. વાગરા નજીકની ભૂખી ખાડીનું લેવલ ખતરાની ઘંટીની પાસે છે. ત્યારે ઉદ્યોગો દ્વારા ઠલવાતા પાણીના કારણે આ પ્રદુષણ ફેલાયું હોવાનું પણ જણાઈ રહ્યું છે.





