Published by : Vanshika Gor
અંકલેશ્વર જીઆઈડીસીમાં મોડી રાતે કેમિકલ કંપનીમાં ફટીનીકળેલી ભીષણ આગના કારણે દોડધામ મચી ગઈ હતી. આગની ઘટના સામે આવતા ઔદ્યોગિક વસાહત મધરાતની નીરવ શાંતિ વચ્ચે અચાનક ઇમરજન્સી સાયરનના અવાજથી ધણધણી ઉઠી હતી. સદનશીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નોંધાવા પામી નથી. કંપનીના કર્મચારીઓ સમયસર બહાર નીકળી જતા ઇજાની કોઈ માહિતી સામે આવી નથી. બનાવ સંદર્ભે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ , ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને અંકલેશ્વર પોલીસે સ્વતંત્ર તપાસ હાથ ધરી છે. આગની ઘટના ઉપર સંપૂર્ણ નિયંત્રણ જળવાઈ રહે તે માટે ૮ થી વધુ ફાયર ફાઇટરોએ સવાર સુધી પાણીનો છંટકાવ કરી કૂલિંગની પ્રક્રિયા ચાલુ રાખી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ખ્વાજા ચોકડી નજીક આવેલ અથર્વ એન્ટરપ્રાઇઝમાં અચાનકલ ભીષણ આગ ફાટી નીકળી હતી. સ્થાનિક અગ્નિશામક સાધનોના ઉપયોગથી આગ ઉપર કાબુ ન મળતા અંકલેશ્વર ડી.પી.એમ.સી,નોટીફાઇડ એરિયા ઓથોરિટી અને પાનોલી ફાયર બ્રિગેડ સહિત ૮ થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ધટના સ્થળે આગ ઉપર કાબુ મેળવવા બોલાવાઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે આગની જ્વાળાઓ વચ્ચે ધુમાડાના ગોટેગોટા 5 કિમિ દૂર સુધી નજરે પડ્યા હતા. આગના કારણે કંપનીમાં સ્ટોરમાં મુકેલા કેમીકલના ડ્રમ પણ વિસ્ફોટ સાથે હવામાં ઉડતા જોવા મલ્યા હતા.
વહેલી સવારે ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ ટીમના હેડ મનોજ કોટીયાએ આગને નિયંત્રણ હેઠળ જાહેર કરી હતી. આગની ઘટના ઉપર સંપૂર્ણ નિયંત્રણ જળવાઈ રહે તે માટે ૮ થી વધુ ફાયર ફાઇટરોએ સવાર સુધી પાણીનો છંટકાવ કરી કૂલિંગની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી.