Published by : Anu Shukla
એમ.એસ.યુનિવર્સિટીને જી-20 સમિટને અનુલક્ષીને ગુજરાત સરકારે એકેડમિક પાર્ટનર બનાવી છે. જેના ભાગરૂપે વિવિધ ફેકલ્ટીઓમાં સેમિનાર અને કોન્ફરન્સ યોજાઈ રહ્યા છે.
સાથે સાથે યુનિવર્સિટીમાં 17 ફેબ્રુઆરીએ મહર્ષિ અરવિંદની 150મી જન્મ જયંતિની ઉજવણીને લઈને એક સેમિનારનુ આયોજન થવાનુ છે. જેમાં ગુજરાતના રાજ્યપાલ હાજર રહે તેવી શક્યતા છે.
એ પછી 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન જી-20 સમિટની તૈયારીના ભાગરુપે ક્લાઈમેટ ચેન્જ અંગે એક ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાવાની છે. કોન્ફરન્સમાં મુખ્યમંત્રી હાજર રહેવાના છે.
જોકે આ કાર્યક્રમોનુ આયોજન કરવાની લ્હાયમાં સત્તાધીશો પદવીદાન સમારોહના આયોજનને હજી પણ પાછુ ઠેલે તેવી શક્યતાઓ છે. જેના કારણે 15000 વિદ્યાર્થીઓનો ડિગ્રી મેળવવાનો ઈંતેઝાર લંબાઈ જશે. યુનિવર્સિટીમાં કોરોનાકાળને બાદ કરતા માર્ચ મહિનામાં પદવીદાન સમારોહ યોજાયો હોય તેવુ અગાઉ ક્યારેય બન્યુ નથી પણ આ વખતે માર્ચ મહિનામાં પદવીદાન સમારોહ યોજાય તેવા સંજોગો છે.
પહેલા એવી ચર્ચા ચાલી હતી કે, પહેલેથી જ વિલંબમાં મુકાયેલો પદવીદાન સમારોહ ફેબ્રુઆરી મહિનામાં યોજાશે પણ યુનિવર્સિટીનુ તંત્ર જી-20 સમિટિની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઉપરા છાપરી સેમિનાર અને કોન્ફરન્સ યોજવામાં જે રીતે વ્યસ્ત છે તે જોતા લાગે છે કે હવે માર્ચ મહિનામાં જ 71મો પદવીદાન સમારોહ યોજાશે.
એમ પણ યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ યોજવાની તારીખ હજી પણ જાહેર કરવામાં આવી નથી. જ્યારે ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટીએ 2021-22માં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પદવીદાન સમારોહ યોજીને ડિગ્રી વિતરણ પણ કરી દીધુ છે.