હાલમાં જ મહા શિવરાત્રી પર્વ નિમિત્તે શિવ ભક્તે લગ્ન કર્યાં હતા.આ લગ્ન પ્રસંગમાં સગા સંબંધીઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સામાન્ય રીતે શિવરાત્રી મહાપર્વના દિવસે ભગવાન શંકર અને પાર્વતી માતાજીનું મિલન થયું હોવાથી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં કોઈ લગ્ન પ્રસંગ યોજાતો નથી.જોકે ગોધરાના એક શિવ ભક્ત યુવક રિષભ પટેલે પોતાના લગ્નનું શિવરાત્રીના દિવસે જ ભવ્ય આયોજન કર્યુ હતું. રિષભ પટેલ વરઘોડામાં પણ શિવ વેશભૂષા સાથે જ વાજતે ગાજતે નીકળ્યો હતો અને ત્યારબાદ લગ્નવિધિ પણ ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિરમાં જ સંપન્ન કરી હતી.ગોધરા સમાજમાં રહેતો કાછીયા સમાજનો યુવક રિષભ પટેલ વર્ષોથી શિવ ભક્તિમાં લીન છે. રિષભ અને તેના સાથી મિત્રો પણ અચૂક શિવરાત્રી પર્વ દરમિયાન ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિરમાં ખાસ સુશોભન સાથે મંદિરમાં અલગ અલગ થીમ તૈયાર કરી દર્શનાર્થીઓને અનેરા દર્શનનો લ્હાવો પૂરો પાડવાનો પ્રયાસ કરતાં હોય છે.રિષભ પટેલ હિન્દુ સમાજને લગતી પ્રવૃત્તિઓની માનસિકતા પણ ધરાવે છે. રિષભ પટેલની જીવનશૈલી પણ અન્ય યુવકોની સરખામણીએ જરા હટકે છે રિષભ પોતાના લાંબા વાળ અને દાઢી સાથે કપાળમાં તિલક લગાવેલા કાયમ જોવા મળતો હોય છે. રિષભ પટેલે પોતાની પસંદગી મુજબ યુવતીની પસંદગી કરી હતી જે પણ રિષભની શિવ ભક્તિમય માનસિકતા સાથે જોડાઈ ગઈ હતી અને તેના સાચા સાથી સ્વરૂપમાં સાથ આપવાનું નક્કી કર્યુ હતું.
રિષભના વરઘોડામાં સાધુ બાવાઓ પણ જોડાયા હતા જેથી રિષભનો વરઘોડો ગોધરા શહેરમાં એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો.