Published by : Anu Shukla
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદ્રા ગામમાં કેસૂડાના 1000 થી 1500 વૃક્ષોનું જંગલ આવેલું છે. શિયાળાની સિઝનના અંતિમ ચરણમાં કેસૂડો મન મૂકીને ખીલી ઉઠયો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયાના અંતરિયાળ વિસ્તારોને કેસૂડાના ફૂલનો ખજાનો માનવામાં આવે છે. આ વિસ્તારના લોકો કેસૂડાને મન મૂકીને માને છે. આ વિસ્તારમાં કેસૂડાના ફૂલો સૂકાઇને નીચે પડે ત્યારે ધરતીએ જાણે ભગવો ધારણ કર્યો હોય તેવુ લાગે છે.
ઝઘડિયા તાલુકામાં હોળી પહેલાંજ પ્રકૃતિ મન મૂકીને ખીલી છે. કેસૂડો આર્યુવેદની દ્રષ્ટિએ પણ ખુબજ ઉપયોગી છે. કેસૂડાના ફૂલને પાણીમાં નાખી નાહવાથી ઉનાળામાં લૂ લાગતી નથી. કેસૂડો ચર્મ રોગ, અતિસાર જેવા રોગોમાં પણ ઉપયોગી નીવડે છે.
કેસૂડાના ફૂલોથી ધૂળેટી રમવામાં આવે છે પરંતુ આજના આધુનિક યુગમાં કેમિકલયુક્ત રંગોએ કેસૂડાને ભૂલાવી દીધો છે. કેસૂડાના ફૂલોને સૂકવી તેને પીસીને રંગ બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ભરૂચ જિલ્લાના અંતરિયાળ ગામોમાં લોકો આજે પણ આ કેસૂડાના ગુણોને સમજીને કેસૂડાના રંગો સાથે ખૂબ ઉત્સાહથી અને ધામધૂમથી ધૂળેટી પર્વની ઉજવણી કરે છે