Published by : Vanshika Gor
વડોદરાને સ્માર્ટ સિટી બનાવવામાં આવી રહી છે. પરંતુ આ સ્માર્ટ સિટી માં લોકોને પાયાની સુવિધા માટે પણ વલખા મારવા પડે છે. વડોદરાના અનેક વિસ્તારોમાં આજે પણ પાણી, ડ્રેનજ જેવી પાયાની સુવિધાની સમસ્યા છે. શહેરના તાંદલજા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન રીપેરીંગ કરવાનું હોવાથી છેલ્લા કેટલાય મહિનાઓથી રસ્તા પર ઉંડો ખાડો કરી દેવામાં આવ્યો છે, પરંતુ મહિનાઓથી કામગીરી ગોકળ ગાયની ગતિ એ ચાલી રહી છે. ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકો આજે વિરોધ નોંધાવતા રોડ પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરી દીધો હતો.
તાંદલજા વિસ્તારમાં છેલ્લા કેટલાય મહિનાઓથી ડ્રેનેજ લાઇનનું રિપેરીંગ કરવા માટે મહાબલીપુરમ સોસાયટીની બિલકુલ બહાર આશરે 20 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે. પરંતુ ડ્રેનેજ લાઇનનું રીપેરીંગ કામ નહીં કરાતા આ ખાડો મહિનાઓથી સ્થાનિક લોકો માટે યમરાજ જેવો બન્યો હતો.
સ્થાનિકો દ્વારા પાલિકાના અધિકારીઓને અનેક વખત રજૂઆત છતાં સમારકામ નહીં કરાતા લોકો રોષે ભરાયા હતા. પાલિકા દ્વારા સ્થાનિકોની રજૂઆત ધ્યાને ના લેવામાં આવતા પોતાની સમસ્યા ઉજાગર કરવા માટે વિરોધ પ્રદશનનું શસ્ત્ર ઉઠાવ્યું હતું. સ્થાનિકો દ્વારા મુખ્ય માર્ગ વચ્ચે બેસીને ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
પોતાની સમસ્યા ઉજાગર કરવા માટે રોડ પર બેસી વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવતા અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા. સમગ્ર મામલાની જાણ સ્થાનિક પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને વિરોધ કરી રહેલા નાગરિકોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.