Published by : Anu Shukla
- ગુજરાતમાં 30,000થી વધુ લોકો મોતને ભેટ્યા,
- ગુજરાત સરકારે વર્ષોથી પ્રદૂષણ ફેલાવતા એકમોને અવગણ્યા: સરકારી રિપોર્ટ
ભારતમાં રહેતા લોકોનું અંદાજિત આયુષ્ય 10 વર્ષ સુધી ઘટી ગયું છે. આ તો માત્ર એક વાત સામે આવી છે. આવા અનેક આશ્ચર્યચકિત કરી દે એવા ઘટસ્ફોટ થયા છે.જેનું કારણ છે પ્રદૂષણ…પ્રદૂષણ એના પણ અનેક પ્રકાર છે. હવા, જમીન, પાણી, અવાજ…દરેક પ્રકાર વિનાશ કરવા સક્ષમ છે, પણ આપણે આજે માત્ર હવા(વાયુ) પ્રદૂષણની જ વાત કરીશું અને વાત કરવી એટલે પણ જરૂરી છે, કારણ કે હાલમાં જ કેટલાક અહેવાલ સામે આવ્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની હવા ઝેર ઓકી રહી છે. તમે શ્વાસ નથી લઈ રહ્યા, પરંતુ નાક મારફત ઝેર લઈ રહ્યા હોય એવું સાબિત થયું છે. ગુજરાતના એર ક્વોલિટીના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ચાર શહેર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની હવા સૌથી પ્રદૂષિત બની છે.
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (CAG), જે સરકારી ઓડિટ સંસ્થા છે. આ સરકારી ઓડિટમાં બહાર આવ્યું છે કે ગુજરાત સરકાર વર્ષોથી વાયુ-પ્રદૂષણમાં યોગદાન આપતા ખાનગી ઉદ્યોગોની ભૂમિકાની અવગણના કરી રહી છે. ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત માટે પ્રદૂષણ નિવારણ યોજનાઓ તૈયાર કરતી વખતે થર્મલ પાવર પ્લાન્ટ્સની ભૂમિકાને અવગણી હતી. સરકારે પર્યાવરણીય ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ થર્મલ પ્લાન્ટ્સ સિવાયના ઉદ્યોગોનાં નિયમન, દેખરેખ અને દંડ ફટકારવાની એની જવાબદારીથી પાછીપાની કરી છે.
ફેબ્રુઆરી 2019માં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નિર્દેશો હેઠળ સુરત અને અમદાવાદ માટે એર એક્શન પ્લાન તૈયાર કર્યા હતા. જોકે GPCBએ અમદાવાદમાં ટોરેન્ટ ગ્રુપના 362 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટને અવગણ્યો હતો, જેણે શહેરના કુલ વાયુ-પ્રદૂષણમાં 66% જેટલો ફાળો આપ્યો હતો. CAGના અહેવાલમાં જાણવા મળ્યું છે કે 500 મેગાવોટની કુલ ક્ષમતા સાથે અશ્મીભૂત ઇંધણ આધારિત TPP(થર્મલ પાવર પ્લાન્ટ) પણ સુરત અને એની આસપાસ કાર્યરત હતા, પરંતુ સુરતના એર એક્શન પ્લાન બનાવતી વખતે તેમના ઉત્સર્જનને ધ્યાનમાં લેવામાં આવ્યું નહોતું. બે શહેરના એર એક્શન પ્લાનમાંથી થર્મલ પાવર પ્લાન્ટને બાકાત રાખવાના ગુજરાત સરકારે આપેલા જસ્ટિફિકેશનથી CAG સંતુષ્ટ નથી.
પ્રદૂષણથી ભારતમાં 23 લાખ લોકો સમય કરતાં વહેલા મોતને ભેટ્યા
ભારતમાં પ્રદૂષણને કારણે સૌથી વધુ મોત થયાં છે. પ્રદૂષણથી મોત થવાના મામલે ભારત નંબર-1 બન્યું છે. વર્ષ 2019માં પ્રદૂષણથી 23.5 લાખ લોકોએ અકાળે પોતાના જીવ ગુમાવ્યા છે. એમાં પણ વાયુ-પ્રદૂષણથી 16 લાખ લોકો મોતને ભેટ્યા છે, જે દેશમાં થયેલાં કુલ મોતના 17.8% હતા. ભારતમાં 2019માં કુલ 8 લાખથી વધુ લોકોનાં ઘરગથ્થુ વાયુ-પ્રદૂષણથી મોત થયાં છે.




