Published by : Vanshika Gor
વડાપ્રધાન મોદીએ આજે યુવા શક્તિનું દોહન-કૌશલ્ય અને શિક્ષણ અંગે બજેટ પછીના વેબિનારને સંબોધિત કર્યું હતું. તેમના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે વિકસિત ભારતના વિઝન અંગે દેશની અમૃત યાત્રાનું નેતૃત્વ આપણા યુવા જ કરી રહ્યા છે. એટલા માટે અમૃતકાળના આ પ્રથમ બજેટમાં યુવાઓને અને તેમના ભવિષ્યને સૌથી વધુ મહત્ત્વ અપાયું છે.
સરકારનું ફોકસ અહીં
પીએમએ કહ્યું કે આપણી શિક્ષણ પ્રણાલી વ્યવહારિક અને ઉદ્યોગલક્ષી હોવી જોઈએ. આ બજેટ તેના પાયાને મજબૂત કરે છે. પીએમ મોદીએ કહ્યું કે નવી ટેક્નોલોજી નવા પ્રકારના કલાસરુમ નિર્માણમાં પણ મદદ કરી રહી છે. કોરોના દરમિયાન આપણે અનુભવ્યું એટલા માટે આજે સરકાર એવા ટૂલ્સ પર ફોકસ કરી રહી છે જેનાથી ક્યાંય પણ જ્ઞાનની પહોંચ સુનિશ્ચિત થઈ શકે.
સ્કિલ્ડ વર્કફોર્સની જરુરિયાત પર ભાર મૂક્યો
આજે ભારતને દુનિયા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જુએ છે. એટલા માટે આજે ભારતમાં રોકાણ અંગે દુનિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં સ્કિલ્ડ વર્કફોર્સ ખૂબ જ કામ લાગે છે. પીએમ મોદીએ કહ્યું કે સરકાર એવા ઉપકરણો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે જેનાથી ગમે ત્યાં શિક્ષણ પ્રાપ્ત કરવાનું સુનિશ્ચિત થઈ શકે. આજે આપણા ઈ-લર્નિંગ પ્લેટફોર્મ પર 3 કરોડ સભ્યો છે. વર્ચ્યુઅલ લેબ અને રાષ્ટ્રીય ડિજિટલ લાઈબ્રેરી પણ જ્ઞાનનું મોટું માધ્યમ બનવાની શક્યતા છે.