Published by : Vanshika Gor
કામરેજના અંત્રોલી ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. પીકઅપ ટેમ્પા ચાલકે ડિવાઈડર કુદાવી સામેના ટ્રેક પર આવતા બે બાઈક ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક દંપતી સહિત 4 લોકોના મોત નીપજ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
સુરત શહેર અને જિલ્લામાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે રાત્રીના સમયે વધુ એક ગમખ્વાર અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ કામરેજના અંત્રોલી ગામ પાસે પીકઅપ ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી પીકઅપ ટેમ્પો ડિવાઈડર કુદાવી સામેના ટ્રેક પર આવી ગયો હતો અને અહીં સામેથી આવતી બે બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બાઈક સવાર એક દંપતી સહિત 4 લોકોને ગંભીર ઈજાઓ થતા તેઓનું મોત નીપજ્યું હતું.
અકસ્માતની આ ઘટનાને પગલે લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. બનાવની જાણ 108ને કરવામાં આવી હતી. જેથી 108ની ટીમ તેમજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. તેમજ પોલીસે ટેમ્પા ચાલક સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનામાં વિપુલ દાનસંગભાઈ ગોહિલ તેમજ તેની પત્ની ગીતાબેનનું સહિત 4 લોકોના મોત નીપજ્યા હતા. વધુમાં મારનાર દંપતી પરિવાર તેમજ મિત્રો સાથે ફાર્મ હાઉસમાં ગયા હતા. ત્યાંથી ઘરે સુરત પરત ફરતી વેળાએ કાળ ભરખી ગયો હતો.