Published by : Anu Shukla
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ક્ન્સટ્રકસનનું કામ ચાલતું હતું ત્યારે આજે સાઈડ ઉપર 26 વર્ષીય રફીક અહેનુંલહક આલમ જેઓ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ઉપરથી સળીયો નીચે પડતા તેમના પીઠના પાછળના ભાગે ઘુસી ગયો હતો. આ દરમ્યાન તેમને હેલ્મેટ પણ પહેરેલું હતું. આ જોતા જ અન્ય કામદારો દોડતા આવ્યા અને તેમને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.
આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો.ઓમકાર ચૌધરીએ જણાવ્યુંકે, આજે સાંજે સાડાચાર વાગ્યે હોસ્પિટલના ટ્રોમા સેંટર ઉપર એક દર્દીને લાવવામાં આવ્યો હતો. જે દર્દીને ગરદનના થોડા નીચે પીઠના ભાગે સળીયો ઘૂસી ગયો હતો. જેમની અમે સારવાર કરી રહ્યા છીએ.તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા માગે છે જેથી અમે તેમને રજા આપી દીધી છે અને તેમને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ મામલે એમએલસી કેસ નોંધવામાં આવ્યો છે એટલે આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

તેમની સાથે આવેલ મિત્રએ જણાવ્યું હતું કે, અમે બધા સાઈડ ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે રફીકભાઈ બિલ્ડીંગનો પાયો બનાવી રહ્યા હતા ત્યારે જ અચાનક ઉપરથી કોઈક રીતે સળીયો પડતા તેમના પીઠમાં ઘૂસી ગયો હતો. અને આ સળીયો મોટો હતો પરંતુ અમે સાઇટ પર મશીનથી સળીયો કાપીને અહી લાવ્યા છીએ.




