Published by : Rana Kajal
એક વર્ષ કરતા વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે…આ યુધ્ધે યુરોપના વિશ્વ પરના વર્ચસ્વ સામે મોટો પ્રશ્નાર્થ ખડો કર્યો છે. શું યુરોપના દેશોનુ વર્ચસ્વ ઘટી રહ્યું છે તેવી ચર્ચાએ વિશ્વમાં જોર પકડ્યું છે….યુક્રેન પર રશિયાના હુમલાનું બીજું વર્ષ શરૂ થઈ ગયું છે. ત્યારે આ યુદ્ધે વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેના અંતર એટલે કે ખાઈને વધુ ઊંડી કરી દીધી છે. તે બાબત સ્પષ્ટ થઈ ગઈ છે. પશ્ચિમી દેશો અને યુરોપના રાજકારણીઓ જણાવી રહ્યા છે કે આ યુદ્ધ વર્તમાન વિશ્વ વ્યવસ્થા અથવા વિશ્વ વ્યવસ્થા માટે મોટો ખતરો સાબિત થઈ રહયો છે.
આ રાજકારણીઓ એમ પણ કહી રહ્યા છે કે આ વિશ્વ વ્યવસ્થા નિયમો પર આધારિત છે અને તે નિયમોમાં પરિવર્તનના સ્પષ્ટ સંકેતો છે. વધુ વિગતે જોતા વિકસિત દેશો (અમેરિકા અને યુરોપીયન દેશો) ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશોને રશિયન આક્રમણ સામે લડવામાં તેમની સાથે જોડાવા માટે સમજાવવાનો સખત પ્રયાસ કરી રહ્યા છે. પરતું અત્યાર સુધી તેમા સફળતા પ્રાપ્ત થઈ નથી.
પશ્ચિમના દેશો રશિયાના યુક્રેન પરના હુમલાને માત્ર યુરોપ પરના હુમલા તરીકે નહીં, પરંતુ લોકશાહી વિશ્વ પરના હુમલા તરીકે વર્ણવી રહ્યા છે અને તેથી તેઓ ઈચ્છે છે કે વિશ્વની ઉભરતી શક્તિઓ યુક્રેન પરના હુમલા માટે રશિયાની નિંદા કરે. પરંતુ ભારત અને ચીનની સાથે અન્ય ઘણા વિકાસશીલ દેશો પણ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમગ્ર વિશ્વ માટે માથાનો દુખાવો તરીકે જોતા નથી કે વિશ્વની સમસ્યા તરીકે જોતા નથી. પરંતું આ દેશો વ્યાપક રીતે આ યુદ્ધને યુરોપની સમસ્યા માને છે.