Published by : Vanshika Gor
બોગસ PSI મયુર તડવી ભરતી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં 4 ADI અને 2 PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગાંધીનગરના કરાઈ ખાતે PSIની તાલીમ લેતા ડમી ઉમેદવાર મયૂર તડવીને ઝડપી લેવાયો હતો. મયૂર તડવી પર દસ્તાવેજોમાં છેડછાડ કરીને કરાઈ ખાતે PSIની તાલીમ લેવાનો આરોપ છે. મયૂરે ભરૂચના વિશાલ રાઠવાના સ્થાને પોતાનું નામ યાદીમાં ઉમેર્યું હોવાનું સામે આવ્યું હતું.
આરોપી 10 માર્ચ સુધીના રિમાન્ડ પર
2 માર્ચના રોજ PSI ભરતી કૌભાંડના આરોપી મયુર તડવીને રિમાન્ડ પર મોકલાયો હતો. ગાંધીનગર કોર્ટે આરોપી મયુર તડવીના આઠ દિવસના એટલે કે 10 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે બંને પક્ષની બેદરકારી હોવાની પણ ટકોર કરી હતી. આરોપી મયુર તડવીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 15 કારણો સાથે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, પરંતુ કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી આઠ દિવસના રિમાન્ડ માન્ય રાખ્યાં હતા.
વેરિફિકેશન દરમિયાન ઝડપાયો હતો મયુર તડવી
ભેજાબાજ મયૂર તડવી તડવીએ ભરૂચના વિશાલ રાઠવાના નામ ઉપર પોતાનું નામ એડિટ કરીને મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. તેમજ નકલી દસ્તાવેજો લઇને તેમજ કોલ લેટર લઇને કરાઈ એકેડમીમાં પહોંચી ગયો હતો અને તાલીમ લેવા લાગ્યો હતો. મયુર તડવી વેરિફિકેશન દરમિયાન ઝડપાઈ જતા ડીઆઈજી અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ તેની પૂછપરછ હાથ ધરી છે.
ભરુચ જિલ્લાના ઉમેદવાર તેરસિંગભાઈ રાઠવાના સ્થાને મયૂર તડવીએ પોતાનું નામ યાદીમાં ઉમેરી દીધું હતું. વિશાલના પિતા તેરસિંગભાઈ રાઠવા ભરૂચના એસપી ઓફિસ ખાતે ફરજ બજાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુર તડ઼વીએ છેતરપિંડી કરીને કરાઈમાં પ્રવેશ મેળવી લીધો હતો.
કૌભાંડમાં જે યુવાનના નામે બોગસ ઓર્ડર બનાવાયો હતો તે વિશાલ રાઠવાના ભાઈ જયપાલ રાઠવાએ જણાવ્યું હતું કે અમે તપાસમાં કોઈપણ સ્તરે સહકાર આપવા તૈયાર છે. પ્રકાશમાં આવેલું કૌભાંડ સરકારી નોકરી અને દેશસેવા માટે લાયક ઉમેદવારોના હક્ક ઉપર તરાપ સમાન છે.