Published by : Vanshika Gor
- નબીપુર અસુરીયા પાટિયા પાસે LCB એ વોચ ગોઠવી મહારાષ્ટ્ર પાર્સિંગની ટ્રક સાથે ડ્રાઈવરને પકડો
- 45120 બોટલ, આઇસર ટ્રક, મોબાઈલ અને રોકડા મળી કુલ ₹48.23 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચના 70 કિલોમીટર લાંબા NH 48 પરથી દારૂની મોટી માત્રામાં થતી હેરફેર ઝડપી પાડવા LCB એ ગોઠવેલી વોચમાં અસુરીયા પાટિયા પાસેથી ટ્રકમાંથી ₹45.12 લાખનો દારૂ પકડી પાડ્યો છે.ભરૂચના હાઇવે પરથી દારૂની થતી હેરફેર અટકાવવા LCB પી.આઈ. ઉત્સવ બારોટે સ્ટાફને એલર્ટ કર્યો હતો. હાઇવે ઉપર એલસીબીની ટીમો દ્વારા પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી.
PSI આર.કે.ટોરાણીને હાઇવે પરથી મહારાષ્ટ્ર પાર્સિંગ દારૂની ટ્રક પસાર થવાની બાતમી મળી હતી. જેના આધારે નબીપુર હાઇવે ઉપર અસુરીયા પાટિયા પાસે તેઓ ટીમ સાથે વોચમાં ગોઠવાયા હતા.દરમિયાન MH 18 BA 5354 નંબરની આઇસર ટ્રક સુરત તરફથી આવતા તેને અટકાવાઈ હતી. ટ્રક ઉપર લગાવેલી લીલી તાડપત્રી હટાવી ફાડકા ખોલતા પુઠ્ઠાના પેલેટ નજરે પડ્યા હતા. જે પેલેટ ઉપર પ્લાસ્ટિક વડે રેપિંગ કરી નીચે છુપાવેલી દારૂની પેટીઓ મળી આવી હતી.
LCB એ દારૂની 940 પેટીઓ 45120 બોટલો કિંમત રૂપિયા 45.12 લાખ, ટ્રક, મોબાઈલ, રોકડા મળી કુલ ₹48.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.MP ના ઇન્દોરના ટ્રક ચાલક અંતરસિંહ લક્ષ્મણસિંહ ભાભરની ધરપકડ કરી ઇન્દોર દાદા નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. મહારાષ્ટ્રથી દારૂની પેટીઓ ભરી વડોદરા તરફ કોને મોકલવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.