- ઇમરજન્સી માટે ગ્રામપંચાયતને અપાયેલા દોરડાનો ઉપયોગ કરી સામે પાર પુરના પાણી જોવા ગયા હતા
- પોલીસે પહોંચી તમામ લોકોને પરત બોલાવ્યા…મામલે ફરિયાદ દાખલ થઈ શકે છે
ક્યારેક રમતમાં જીવનું જોખમ ઉભું થઇ જાય છે. તેમાંય ખાસ કરીને પાણી સાથે રમત એ જીવલેણ સાબિત થઇ શકે છે. હાલ ભરૂચ જિલ્લામાં પૂરની સ્થિતિ છે ત્યારે ઝગડીયા તાલુકાના જરસાડ ગામના 3 લોકો જીવન જોખમે પાણીમાં રમત કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે જો કે પોલીસે આ તમામ સામે ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં હાલ પૂરની સ્થિતિ છે ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. પરંતુ કેટલાક લોકો તંત્રની વિનંતીને ઘોળીને પી ગયા છે અને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આવો જ એક વિડીયો ઝગડીયા તાલુકાના જરસાડ ગામેથી સામે આવ્યો છે. આ ગામમાં પાણીં ભરાયા હતા અને ઇમરજન્સી માટે ગ્રામપંચાયતને દોરડા આપવામાં આવ્યા હતા. જો કે કેટલાક લોકોએ આ દોરડાનો દુરુપયોગ શરુ કરી દીધો હતો અને આ દોરડાને એક છેડેથી બીજા છેડે લંબાવી પાણીના પ્રવાહમાંથી પસાર થઇ રહ્યા હતા અને વિડીયો ઉતારાવડાવી રહ્યા હતા. ખાડીના ધસમસતા પ્રવાહમાં આ લોકો રમત કરતા નજરે પડ્યા હતા. જો કે આ અંગેની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને તમામને પરત બોલાવ્યા હતા. આ ત્રણેય વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ શકે છે. ત્યારે લોકોને આવી રમત ન કરવા પણ અપીલ કરવામાં આવે છે.