Published by : Vanshika Gor
- ભરૂચ નર્મદા મૈયા બ્રિજ સહિત સુરતના 4 બ્રિજ માટે CRZ ની નહિ લેવાયેલી મંજૂરી
- દહેજ અને વિલાયત ઉધોગોના ટ્રીટમેન્ટ બાદ પાણીનું વહન કરતી પાઇપલાઇન દરિયામાં વધુ દૂર ડિસ્ચાર્જ કરવા ટકોર કરાઈ હતી
ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ CAG એ રજૂ કરેલા ગુજરાત રાજ્યના રિપોર્ટમાં દહેજમાં GIDC દ્વારા દરિયામાં હિલ્સા, ઝીંગા પ્રજનન સ્થળ નજીક જ પાઇપલાઇન દ્વારા કંપનીઓનું પ્રદુષિત પાણી ઠલવાતું હોવાનો ધડાકો કર્યો છે. સાથે જ ભરૂચનો 4 લેન નર્મદા મૈયા બ્રિજ અને સુરતના 4 બ્રિજ CRZ ની મંજૂરી પડતર હોવા વચ્ચે જ પુલ બનાવી દેવાયું હોવાનું ટાક્યું છે.
કૅગ એ હાલમાં જ ગુજરાત રાજ્યના જારી કરેલા બે રિપોર્ટમાં રાજ્યમાં સરકારી અને ખાનગી એજન્સીઓ દ્વારા CRZ ઉલ્લંઘનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ)ના ઉલ્લંઘન માટે વિવિધ સરકારી અને ખાનગી એજન્સીઓ પર નિશાન સાધ્યું છે.ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ કૅગ દ્વારા અહેવાલમાં જણાવાયું હતું કે, ભરૂચમાં નાખવામાં આવેલી સબ-સી પાઇપલાઇન નજીકના ગંદા પાણીનો નિકાલ કરી રહી હતી. નર્મદા નદીમાં હિલ્સા અને વિશાળ તાજા-પાણીના પ્રોનનું સંવર્ધન સ્થળ છે.

સબ-સી પાઇપલાઇન, જે નેટવર્કનો એક ભાગ છે જે દહેજ-વિલાયત ઔદ્યોગિક વિસ્તારના ગંદા પાણીનો નિકાલ કરે છે, તે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC દ્વારા CRZ અને પર્યાવરણીય મંજૂરીઓ મેળવ્યા વિના નાખવામાં આવી હતી, CAG એ તેના પરફોર્મન્સ ઑડિટ ઑફ કન્ઝર્વેશન નામના અહેવાલમાં આ જણાવ્યું છે. દહેજ અને વિલાયત ઉધોગોના પાણીને ટ્રીટમેન્ટ બાદ દરિયામાં છોડતી પાઇપલાઇન 600 થી 1200 મીટર વધુ દૂર ડિસ્ચાર્જ પોઇન્ટ આપવા કેગે કરેલી ટકોરનો હજી અમલ થયો નથી.જુલાઇ 2020માં વન અને પર્યાવરણ વિભાગે GIDCને કચરો છોડવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યાના એક વર્ષ પછી પણ પ્રદુષિત પાણી દહેજમાં માછલીઓ અને ઝીંગાના પ્રજનન સ્થળે છોડાઈ રહ્યું હોવાનું CAGએ નોંધ્યું છે. GIDCએ તે જ સ્થાને કચરો છોડવાનું ચાલુ રાખ્યું હતું.

ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી GCZMA દ્વારા વર્તમાન નિકાલ બિંદુની આસપાસના દરિયાઈ ઇકોસિસ્ટમમાં નુકસાનનું કોઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. તેમ આગળ અવલોકનમાં કેગે નોંધ્યું છે. વર્ષ 2015-20 ની વચ્ચે સરકારી એજન્સીઓ અને વિભાગો દ્વારા GIDC દ્વારા કરાયેલા ઉલ્લંઘનના સાત CRZ ઉલ્લંઘનોમાંથી આ એક હતું..અન્ય ઉલ્લંઘનોને ટાંકીને CAG એ રિપોર્ટમાં જણાવ્યું છે કે, માર્ગ અને મકાન વિભાગે ભરૂચ શહેરમાં નર્મદા નદી પર પુલના બાંધકામ માટે CRZ મંજૂરીઓ મેળવી નથી. તેવી જ રીતે સુરત જિલ્લામાં તેના નદી પરના પુલ માટે પણ મંજૂરી મળી ન હતી. આ બંને કિસ્સાઓમાં, પોસ્ટ ફેક્ટો ક્લિયરન્સ માટેની અરજી SEIAA સ્ટેટ એન્વાયર્નમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી પાસે પેન્ડિંગ હતી.