Published By : Patel Shital
- કેન્દ્રીય માર્ગ પરિવરહન મંત્રી નીતિન ગડકરીને મળી વળતર અંગે કરાઈ રૂબરૂ રજુઆત
- ભરૂચ જિલ્લાના ખેડૂતોએ અગાઉ સુરત મુજબ જમીનોનું વળતર અપાવવા એક્સપ્રેસ-વે ની કામગીરી કેટલીક વખત અટકાવી દીધી હતી
- હાલ ભરૂચથી કિમ સેક્શનમાં એક્સપ્રેસ-વે ને લઇ કામ ચાલી રહ્યું છે
- સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા દિલ્હી પહોંચ્યા હતા
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેની કામગીરી વડોદરા અને ભરૂચ અને સુરત વચ્ચે તેજગતિએ આગળ વધી રહી છે ત્યારે હજી પણ એક્સપ્રેસ-વેમાં જમીન ગુમાવનારા જિલ્લાના ખેડૂતો યોગ્ય વળતરની માંગ સાથે તેઓનો વિરોધ વંટોળ સમયાંતરે પ્રગટ કરી રહ્યાં છે.
દિલ્હી-મુંબઈને જોડતા દેશના આ સૌથી લાંબા એક્સપ્રેસ-વેમાં ભરૂચ જિલ્લાના જમીન ગુમાવનારા લોકોને જમીન સંપાદનનું યોગ્ય વળતર મળી રહે તે માટે ગુજરાત સાથે ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ મંડળે બુધવારે દિલ્હી દરબારમાં ધામાં નાખ્યા હતા.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે મળી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની રૂબરૂ મુલાકાત લીધી હતી.
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેની ચાલી રહેલી કામગીરીમાં જમીન સંપાદન બાબતે યોગ્ય વળતર મળે તે માટે ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિ મંડળ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની આગેવાનીમાં દિલ્હી પહોંચ્યું હતું. પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિત કિસાન સેલના આગેવાનોએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જમીન સંપાદનમાં ભરૂચ જિલ્લાના લોકોને યોગ્ય વળતર અપાવવા બાબતે રજુઆત કરી હતી.
ભરૂચ જિલ્લા પ્રમુખે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે જિલ્લાના ખેડૂતોની જમીન સંપાદન સંદર્ભે મુલાકાત સકારાત્મક રહી હોવાનું જણાવ્યું હતું.