Published by : Vanshika Gor
- ભરૂચની નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગમાં 22 માર્ચે લાગેલી ભીષણ આગમાં આરોપી સિક્યોરીટી ગાર્ડના રીમાન્ડ પૂર્ણ
- સિક્યોરીટી ગાર્ડ 6 મહિનાથી ઘરે બેઠો હતો, ડિમાન્ડ આવે ત્યારે જ સિક્યોરિટીનું કામ અપાતું
- સિક્યોરીટી ગાર્ડે આખરે આગ લગાડી કેમ, સી ડિવિઝન પોલીસ હવે અન્ય શંકાઓ ઉપર તપાસ ચલાવી રહી છે
ભરૂચની નર્મદા પેકેજીંગ અને આશાપુરા ટ્રેડિંગ પિતા પુત્રની બન્ને ફેકટરી 22 માર્ચે આગમાં હોમાઈ ગઈ હતી. ભીષણ આગને કાબુમાં લેવા 22 ફાયર બ્રિગેડ કામે લાગ્યા હતા. બે દિવસ બાદ આગ સંપૂર્ણ કાબુમાં આવી હતી.સી ડિવિઝન પી.આઈ. હસમુખ ગોહિલ અને ટીમે તપાસ હાથ ધરતા નજીકના સીસીટીવીમા નવો સિક્યોરીટી ગાર્ડ જ માચીસથી બન્ને ફેકટરી ફૂંકી મારતા નજરે પડ્યો હતો.
બન્ને ફેકટરીના માલિકે 11 કરોડનું નુકશાન અને 11 કર્મચારીના જીવ જોખમમાં મુકનાર સિક્યોરીટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ફેકટરી ઉપર 3 દિવસ પેહલા જ સવારે સિક્યોરીટી માટે આવેલા મનોજ બકરેનું આગ લગાવવા પાછળ પ્રયોજન તેમજ મકસદ શુ હતું તે જાણવા પોલીસે તેના 4 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.
જોકે રીમાન્ડ પૂર્ણ થઈ ગયા છે તેમ છતાં સિક્યોરીટી ગાર્ડે માચીસથી કેમ કંપની ફૂંકી મારી તે અંગે અંકળ મૌન જ સેવ્યું છે. દરમિયાન સિક્યોરીટી ગાર્ડને ફેકટરી માલિકની 10 દિવસની ડિમાન્ડ ઉપર દિવસની ડ્યુટી સિક્યુરિટી એજન્સી દ્વારા અપાઈ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 6 મહિનાથી મનોજભાઈ બકરેને કોઈ સિક્યોરીટીનું કામ અપાયું ન હતું. તેઓને જરૂર હોય ત્યારે જ બોલાવવામાં આવતા હતા.
હવે પોલીસ સમક્ષ અને તપાસ અધિકારીને અનેક શંકાઓ સતાવી રહી છે. સવારે આવીને સિક્યોરીટી ગાર્ડ સીધો માચીસ ચાંપતો જ નજરે પડે છે. તેના CCTV પણ સી ડિવિઝન PI એ જારી કરી દીધા છે. ત્યારે સિક્યોરીટી ગાર્ડે કોઈના કહેવા ઉપર કે કોઈ આર્થિક પ્રલોભન કે પછી કયા અન્ય કારણોસર આ સીસીટીવીમાં દેખાતું કૃત્ય આચર્યું તે તપાસનો ખૂબ જ સતાવતો મુદ્દો બની ગયો છે.