Published by : Rana Kajal
- હાલના સ્થળને હેરિટેજ પ્લેસ તરીકે વિકસાવાય તેવી સંભાવના…
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકેની નિમણૂકના પગલાથી ગુજરાત વિદ્યાપીઠ ગયા વર્ષે ચર્ચામાં રહી હતી. ત્યારે આ વર્ષ પણ વધુ એક વાર ગુજરાત વિદ્યાપીઠ ચર્ચાનું કારણ બની છે. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત આ વિદ્યાપીઠને નવું વહિવટીતંત્ર અન્ય સ્થળે ખસેડવાની યોજના બનાવી રહ્યું છે.
આ 100 કરતા વધુ વર્ષ જૂની ગુજરાત વિદ્યાપીઠનું શું થશે તેવી અટકળો વહેતી થઈ છે. જૉકે ગુજરાત વિદ્યાપીઠના સ્થળાંતરને લઈને તેના કુલપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ તેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 21 એકરમાં ફેલાયેલા હાલના યુનિવર્સિટી કેમ્પસને હેરિટેજ સેન્ટરમાં ફેરવવામાં આવશે જ્યારે શૈક્ષણિક પ્રવૃત્તિઓને સંપૂર્ણ નવા કેમ્પસમાં ગાંધીનગર ખસેડવામાં આવશે. આ ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠ માટે નવી જમીન શોધવા દિલીપ ઠાકરની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. 27 માર્ચે ટ્રસ્ટીઓની બેઠકમાં, જમીનોની તપાસ કરવા અને મિલકતોની સમીક્ષા કરવા માટે બે સમિતિઓની રચના કરવામાં આવી હતી. એ જ રીતે, ટ્રસ્ટીઓના પુનર્ગઠન જૂથો, “સમાનતા અને વિકાસ”, “સંપત્તિ”ની સમીક્ષા કરવા માટે અન્ય સમિતિની રચના કરવામાં આવી છે.