Published by : Vanshika Gor
ગુજરાતનો સુંદર શિવરાજપુર બીચ આવનારી પેઢી માટે ગાયબ થઈ જશે. કારણ કે 32 હજાર 692 સ્ક્વેર મીટરનું ધોવાણ થઈ ચૂક્યું છે. જ્યારે 2 હજાર 396 સ્ક્વેર મીટરમાં કાદવ-કીચડ ભરાયેલો છે. દેશમાં સૌથી વધારે ગુજરાતમાં 537.5 કિલોમીટરના દરિયાકાંઠાનું ધોવાણ થયાનું ખુદ સરકારે પણ સ્વીકાર્યું. રાજ્યસભાના એક સવાલના જવાબમાં ગાયબ થતાં બીચમાં ગુજરાતનો બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માંડવી, તિથલ, દાંડી, ઉભરાટ, સુવલી, ડાભરી જેવા બીચ ગાયબ થવાના આરે હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય મુજબ સમગ્ર દેશમાં સૌથી વધુ દરિયાઈ કાંઠો ધરાવતો ગુજરાત રાજ્યનો કાંઠો ખતરામાં છે. ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે કેન્દ્ર સરકાર દ્વારા ધોવાણ અને કાંપ, કીચડ તથા કચરાના ભરાવાના નિવારણ માટેની ત્રણ સાઈટ કેરળ, પોંડીચેરી અને તમિલનાડુમાં નક્કી કરવામાં આવી છે. જો કે દેશનો સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતો અને સૌથી વધુ ધોવાણ ધરાવતા ગુજરાતમાં એક પણ સાઈટ સેન્ટ્રલ સેક્ટર પ્લાન સ્કીમ હેઠળ પસંદ કરવામાં આવી નથી.