Published by : Rana Kajal
- વિકરાળ આગના કારણે કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર સુધી દેખાયા
- સોમવારે જ નોબલ માર્કેટ નજીક લીગલ માર્કેટમાં પ્લાસ્ટિકનું ગોડાઉન ભડકે બળ્યું હતું
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ભંગારના ગોડાઉનમાં આગનું દુર્ઘટનાઓ સમવાનું નામ લેતી નથી. સોમવારે સાંજે એક ગોડાઉન ભડકે બળ્યા બાદ આજે મંગળવારે નોબલ માર્કેટમાં 4 થી 5 ગોડાઉનમાં ભીષણ આગે આકાશમાં કાળો કહેર ધુમાડારૂપી વર્તાવ્યો હતો.
અંકલેશ્વરમાં અવાર નવાર ભંગારના ગોડાઉનમાં આકસ્મિક કે જાણી જોઈને લગાવાતી આગની ઘટનાઓ ઘટતી રહે છે. સોમવારે જ નોબલ માર્કેટ નજીક લીગલ માર્કેટમાં આવેલું પ્લાસ્ટિકનું ગોડાઉન સાંજના સુમારે આગના હવાલે આવી ગયું હતું. DPMC ના ફાયર ફાઈટરોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લઈ લીધી હતી.
આજે મંગળવારે નોબલ માર્કેટમાં ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગે તંત્ર અને ફાયર બ્રિગેડને દોડતા કરી દીધા હતા. હારબદ્ધ આવેલા સ્ક્રેપના 4 થી 5 ગોડાઉન ચપેટમાં આવતા આકાશમાં ઉપર સુધી કાળા ધુમાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. બે થી ત્રણ કિલોમીટર સુધી આગની લપટો અને ધુમાડા નજરે પડ્યા હતા.
અંકલેશ્વર DPMC, પાલિકા અને અન્ય ઔધોગિક વસાહતના 8 થી વધુ ફાયર ફાઈટરોએ દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ હજી બહાર આવ્યું નથી. ઘટનાને લઈ ભારે પ્રદુષણ ફેલાતા જીપીસીબીએ પણ દોડી આવી તપાસ હાથ ધરી છે. આગ સંપૂર્ણ કાબુમાં આવતા દોઢથી બે કલાકનો સમય લાગી શકે છે. ઘટનામાં કોઈ જાનહાની નોંધાઇ નથી.