Published by : Vanshika Gor
રાજકોટ શહેરના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે ગાંધીનગર ખાતે મળેલી પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મિટિંગ બાદ આજે એકાએક રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વાઈસચેરમેન સહીત 15 સભ્યોના રાજીનામાં લઇ લેવામાં આવ્યા છે. આંતરિક જૂથવાદના લીધે રાજીનામાં લેવામાં આવ્યા હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે મહત્વની વાત એ છે કે આ સભ્યો પોતાની પાંચ વર્ષની ટર્મ પણ પૂરી કરી શક્યા નહિ અને અધવચ્ચેથી રાજીનામાં લઇ લેવામાં આવતા અનેક અનુમાનોની ચર્ચા થઇ રહી છે
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા સહીત 15 સભ્યોના આજે રાજકોટ કમલમ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને મેયર ડો. પ્રદિપ ડવની હાજરીમાં સભ્યપદ પરથી અધ્ધવચ્ચેથી રાજીનામાં લઇ લેવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી શહેર ભાજપ પ્રમુખ અને શિક્ષણ સમિતિના સભ્યો વચ્ચે આંતરિક જૂથવાદ ચાલી રહ્યો હતો. આંતરિક જૂથવાદ વધી જતા ગઈકાલે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ શહેર પ્રમુખ, મેયર, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિતનાઓની પ્રદેશ પ્રમુખની અદ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકના બીજા જ દિવસે એકાએક રાજીનામાં લઇ લેવામાં આવતા રાજકોટના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ભારતીય જનતા પાર્ટી શિસ્તબધ પાર્ટી છે. આજે પાર્ટીના આદેશ મુજબ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વાઇસ ચેરમેન સહીત તમામ સભ્યોએ સામુહિક રાજીનામાં આપી દીધા છે. કોઈ જૂથવાદ કોઈ ફરિયાદ કે કોઈ નારાજગી નથી માત્ર પ્રદેશની સૂચના આધારે તમામના રાજીનામાં લેવામાં આવ્યા છે. આગામી સમયમાં પાર્ટીની સૂચના મુજબ નવી ટિમની જાહેરાત કરવામાં આવશે.