Published by : Vanshika Gor
- ધમડાછામાં 40 કરોડના ખર્ચે તૈયાર બ્રિજનું કર્યુ લોકાર્પણ.
દરિયાઈ ભરતીના પાણી પૂર્ણા નદી થકી નવસારીના ગામોમાં ખારાશ વધારે છે. જેથી તેને અટકાવવા વર્ષોથી નદી ઉપર ટાઇડલ રેગ્યુલેટરી ડેમ બનાવવાની માંગ હતી, જે આજે પૂર્ણ થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે 110 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા ટાઇડલ ડેમનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. નવસારી જિલ્લાને એક વર્ષમાં બીજો ટાઇડલ ડેમ મળ્યો છે.
નવસારીની લોકમાતા પૂર્ણા નદીમાં દરિયાઈ ભરતી વખતે આવતા ખારા પાણીને કારણે નદીના મીઠા પાણી ખારા થવા સાથે જ આસપાસની જમીનમાં પણ ક્ષારની માત્રા વધતા ખેત ઉત્પાદન પર અસર થઈ રહી છે. ત્યારે આ ખારાશને આગળ વધતા અટકાવવા છેલ્લા અઢી દાયકાથી પૂર્ણા નદી પર ટાઇડલ રેગ્યુલેટરી ડેમની માંગ થતી હતી. જેમાં જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલ દ્વારા અલુરા બોદાલી ગામ વચ્ચે ડેમ બનાવવા રજૂઆત હતી.
પરંતુ આસપાસના ગામડાઓ દ્વારા વિરોધ કરવામાં આવતા ડેમ અટક્યો હતો. ત્યારબાદ સરકાર દ્વારા અન્ય બે જગ્યાઓએ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ગત વર્ષે નવસારીના વિરાવળથી કસ્બા ગામ વચ્ચે 110 કરોડના ખર્ચે ટાઈડલ ડેમ બનાવવાની મંજૂરી મળી હતી. જેનુ આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે નવસારી જિલ્લાની પાણી સમસ્યા વર્ણવી તેના સમાધાન માટે કરેલા પ્રયાસો અને વર્ષોની માંગ આજે ડેમના ખાતમુહૂર્ત સાથે પૂર્ણ થઈ છે. સાથે જ તેમણે તળાવોને ઉંડા કરવા બનાવેલી યોજનાની જેમ પૂર્ણા નદીને ઉંડી કરવા માટે પણ સરકાર યોગ્ય યોજના બનાવે એવી માંગ કરી હતી. ટાઈડલ ડેમ બનતા નવસારી સહિત 23 ગામડાઓની પાણી અને સિંચાઇ સમસ્યાનો અંત આવશે.