Published By : Rana Kajal
- કોંગ્રેસના વાર્ષિક હિસાબોમાં ગરબડ ગોટાળા, ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે ભાજપના વોકઆઉટનો આરોપ
- કોંગ્રેસે બહુમતીના જોરે મંજુર કરાયેલા સભાના એજન્ડા ફાડી નાખ્યા
- મૃત કોંગ્રેસ મુદ્દા ભટકાવતાં શાસકોએ સભા છોડી, પાલિકા પ્રમુખ
- કરોડોના હિસાબો અંગે હિસાબ પૂછતાં ભાજપ શાસકો ભાગ્યા, વિરોધ પક્ષના નેતા
ભરૂચ નગર પાલિકાની શનિવારે મળેલી સામાન્ય સભા સૂચિત વેરા વધારાને લઈ બ્લેક & વાઈટ બની રહી હતી. જોકે વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે શાસક ભાજપ પક્ષ વાર્ષિક હિસાબોના કરોડોનો હિસાબ નહિ આપી શકતા સભામાં શાસકોના વાઈટ વોશ સાથે તેઓએ વોક આઉટ કર્યું હતું.
ભરૂચ પાલિકાના સભા ખંડ ખાતે આજે શનિવારે મળેલી સામાન્ય સભામાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સહિતનો સફેદ અને કાળો નોખો ડ્રેસ કોડ જોવા મળ્યો હતો.
સૂચિત વેરા વધારાના મુદ્દે કોંગ્રેસ અને અન્ય વિપક્ષ કાળા વસ્ત્રો પહેરી વિરોધ વ્યક્ત કરવા સભામાં આવ્યું હતું. જ્યારે ભાજપના સભ્યોએ સફેદ વસ્ત્રો પહેર્યા હતા. એજન્ડા ઉપર મંજૂરી માટે કુલ 28 કામો મુકાયા હતા.
શાસક પક્ષ રોડ રસ્તા, સફાઈ, મેલેરિયા વિભાગ, વોટર મશીન સહિતના કામોમાં ચર્ચા પર નહિ આવી બહુમતીના જોરે તમામ કામો મંજુર કર્યાના આક્ષેપ કરાયા હતા. વિપક્ષે સભામાં એજન્ડા ફાડી નાખી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
હિસાબો અંગે ચર્ચા નહિ કરી શાસક પક્ષ ભાજપે ગરબડ, ગોટાળા અને ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ કરાતા. શાસકોએ સભા પૂર્ણ જાહેર કરી ચાલતી પકડતા કોંગ્રેસે શાસકો સવાલોથી સભા છોડી ભાગી રહ્યાં હોવાનો સુર આલાપ્યો હતો.
વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા સહિત શાસકોના સભા છોડીને વોકઆઉટને પાલિકાના ઇતિહાસમાં દુઃખદ ગણાવ્યું હતું.
તો પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ મૃત પ્રાયઃ કોંગ્રેસ કેમ સભામાં જ હોબાળો કરે છે. અને એજન્ડા પરના મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવે છે સહિતના આક્ષેપ કર્યા હતા.