Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchDevotionalઋષિ પંચમી / સામા પાંચમ વ્રત વિધિ અને વ્રત કથા

ઋષિ પંચમી / સામા પાંચમ વ્રત વિધિ અને વ્રત કથા

વ્રત વિધિ : આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે. મોટે ભાગે સ્ત્રીઓ રજોદર્શન દરમિયાન જાણે-અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે. આ વ્રત ઋષિપંચમી તરીકે પણ ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠીને અઘેડાનું દાંતણ કરી, શરીર પર માટી ચોળી, માથામાં આંબળાની ભૂકી નાંખી નહાવું. આ દિવસે સામો ખાવો, ફળાહાર કરવો, અનાજ ખાવું નહીં. સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિ ભાવથી પૂજા કરવી. આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું. ત્યાર બાદ તેનું ઉજવણું કરવું. એ વખતે અરુંધતી સહિત સપ્તઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી, યથાશક્તિ દાન-દક્ષિણા આપવી.

વ્રત કથા : ઘણા વર્ષો પહેલાંની વાત છે. વિદર્ભ દેશમાં ઉતંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર-પુત્રી સાથે રહેતો હતો. પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોંશિયાર થઈ ગયો હતો. પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી. આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા.  પરંતુ એક વર્ષ થયું હશે ત્યા તેની પુત્રી સતમા પર દુ:ખના ડુંગર તૂટી પડ્યા. તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો.

સતમા દુ:ખી થઈ પિયરમાં આવી ગઈ. ભરજુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા-પિતા પણ દુ:ખી થઈ ગયા. તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું. 

બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઊઠી ગયું.  આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા. પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા. ધર્મના કાર્ય કરવા છતા સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો. આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ જતી. 

એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા. આ જોઈ સતમા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી. પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને વાત કરી. 

બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી  ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું. આથી તેને થોડી રાહત થઈ. પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો. આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી. તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી.  રજસ્વલા સ્ત્રીએ આ 4 દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈે. પરંતુ આ સતમાએ એ ધર્મ પાળ્યો ન હતો. તેથી આ ભવે તેને પાપ નડ્યું  છે. આ ઉપરાંત તેણે ઋષિપંચમીની નિંદા કરી હતી. સામાપાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી. આથી આ ભવે તે પતિસુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે. 

બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી. આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે. તે આ વ્રત ભક્તિ-ભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે. આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું. 

બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે. એ દિવસે સવારે વહેલા ઊઠીને, સ્નાન કરીને ઘીનો દીવો-ધૂપ કરવા. ત્યાર પછી નૈવૈધમાં ફળ ધરાવી મહર્ષિ, કશ્યપ, અત્રિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ, જમદાગ્નિ અને અરુધતિ સહિત સપ્તઋષિનું ધ્યાન ધરવું. તેમની પૂજા કરવી. વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો, સામો ખાવો. આ રીતે ભક્તિ-ભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે. 

સતમા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી. થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાંથી પરું નિકળતું બંધ થઈ ગયું. તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ. 

જે ભાવિક-ભક્તો સામા પાંચમનું વ્રત કરશે, ગુરૂજનોની પૂજા કરશે તેમની આશા ફળશે, આ વ્રતકથા વાંચશે તથા સાંભળશે તેના અજાણપણે થયેલા દોષો અને પાપો બળીને ભસ્મ થશે અને સુખ-શાંતિ સાંપડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!