Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchDevotionalભારતમાં સુપ્રસિદ્ધ 10 ગજાનંદ મંદિરના કરો દર્શન...

ભારતમાં સુપ્રસિદ્ધ 10 ગજાનંદ મંદિરના કરો દર્શન…

દસ દિવસનો ગણેશોત્સવ શરૂ થઈ ગયો છે. આ ઉત્સવ 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દિવસોમાં લોકો ઘર-ઘરમાં ગણેશજીની પૂજન કરે છે અને ભક્ત ગણેશજીના પૌરાણિક મહત્ત્વ ધરાવતાં મંદિરોમાં પણ દર્શન માટે જાય છે. દેશભરમાં ગણેશજીનાં અનેક એવાં મંદિર છે, જેનો ઇતિહાસ સેંકડો વર્ષ જૂનો છે અને થોડાં મંદિર એવાં પણ છે, જેમની માન્યતા એક હજાર વર્ષથી પણ વધુ જૂની છે.

સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ

મહારાષ્ટ્રના મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર લગભગ 219 વર્ષ જૂનું છે. દેશનાં સૌથી અમીર મંદિરોમાં આ મંદિર પણ સામેલ છે. મંદિરની સ્થાપના 19 નવેમ્બર 1801ના રોજ થઇ હતી. મંદિરની અંદર એક નાના મંડપમાં સિદ્ધિવિનાયક પ્રતિમા સ્થાપિત છે. મંદિરની છત પર લગભગ 3.5 કિલોનો સોનાનો કળશ છે. અંદરની છત ઉપર સોનાનો લેપ કરવામાં આવ્યો છે.

મંદિર પાચ માળનું છે અને લગભગ 20 હજાર વર્ગફૂટમાં ફેલાયેલું છે. સિદ્ધિવિનાયકની મૂર્તિ કાળા પથ્થરની કોતરણી કરીને બનાવવામાં આવી છે. મૂર્તિમાં ગણેશજીની સૂંઢ જમણી બાજુ છે. મૂર્તિના માથા પર એક આંખ છે, જે શિવજીના ત્રિનેત્ર જેવી દર્શાય છે.

મોતી ડુંગરી મંદિર, જયપુર

રાજસ્થાનના જયપુરમાં મોતી ડુંગરી ગણેશ મંદિર સ્થિત છે. મંદિરની ગણેશ પ્રતિમા 1761 જયપુર નરેશ માધોસિંહ પ્રથમની પટરાણીના પૈતૃક ગામ માવલીથી લાવવામાં આવી હતી. 1761 પહેલાં પણ આ પ્રતિમાનો ઇતિહાસ 500 વર્ષથી વધારે જૂનો માનવામાં આવે છે. દર બુધવારે અહીં નવાં વાહનોની પૂજા કરાવવા માટે લાંબી લાઇન લાગે છે. મંદિરમાં જમણી બાજુ સૂંઢવાળા ગણેશ બિરાજમાન છે.

દગડુ ગણેશ, પુણે

મહારાષ્ટ્રના પુણેનું દગડુ ગણેશ મંદિર પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. મંદિરના નિર્માણ અંગે એક કથા પ્રચલિત છે કે જ્યારે 18મી સદીમાં પ્લેગ મહામારી ફેલાયેલી હતી, એ સમયે અહીંના એક વેપારી દગડુ શેઠ હલવાઈના પુત્રનું મૃત્યુ આ મહામારીને કારણે થઇ ગયું હતું, જેને કારણે દગડુ શેઠ અને તેમની પત્ની દુઃખી રહેવા લાગ્યાં હતાં. ત્યારે તેમના ગુરુ માધવનાથ મહારાજના કહેવાથી તેમણે અહીં ગણેશ મંદિર બનાવ્યું. ત્યાર બાદ મંદિર દગડુ શેઠના નામથી પ્રસિદ્ધ થઇ ગયું.

કનિપકમ ગણેશ મંદિર, ચિત્તુર

આંધ્રપ્રદેશમાં ચિત્તુરમાં ઇરલા મંડપમાં કનિપકમ ગણેશ મંદિર સ્થિત છે. આ મંદિરને પાણીના દેવતાનું મંદિર પણ કહેવામાં આવે છે. તિરુપતિ દર્શન માટે જતા ભક્તો પહેલાં આ મંદિરમાં ગણેશજીનાં દર્શન કરવા માટે આવે છે. મંદિરનું નિર્માણ 11મી સદીના ચોલ રાજા કુલોઠુન્ગા ચોલ પ્રથમે કરાવ્યું હતું. ત્યાર બાદ વિજયનગરના રાજાએ 1336માં મંદિરનું સમારકામ કરાવ્યું. મંદિરની મૂર્તિ અંગે માન્યતા છે કે તેનો આકાર વધી રહ્યો છે.

મધુર મહાગણપતિ મંદિર, કેરળ

કેરળની મધુરવાહિની નદીના કિનારે મધુર મહાગણપતિ મંદિર સ્થિત છે. એનો ઇતિહાસ 10મી સદીનો માનવામાં આવે છે. એ સમયે અહીં માત્ર શિવજીનું મંદિર હતું, પરંતુ ત્યાર પછી ગણેશજીનું મુખ્ય મંદિર બની ગયું. અહીંની માન્યતા પ્રમાણે જ્યારે આ શિવજીનું મુખ્ય મંદિર હતું ત્યારે અહીં પૂજારી સાથે તેમનો પુત્ર પણ રહેતો હતો.

પૂજારીના નાના બાળકે એક દિવસ મંદિરની દીવાલ પર ગણેશજીની આકૃતિ બનાવી દીધી. ત્યાર બાદ આ ચિત્રનો આકાર ધીમે-ધીમે વધવા લાગ્યો. દીવાલ ઉપર ચમત્કારી રૂપથી ઊભરી આવેલી પ્રતિમા જોવા માટે અહીં લોકો આવવા લાગ્યા. દીવાલ પર ઊભરી આવેલી પ્રતિમાના કારણે આ ગણેશજીનું મુખ્ય મંદિર બની ગયું.

ત્રિનેત્ર ગણેશ મંદિર, રણથંબોર

રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે રણથંબોર કિલ્લામાં ગણેશજીનું એક પ્રાચીન મંદિર છે, જેને ત્રિનેત્ર ગણેશ મંદિર કહેવામાં આવે છે. મંદિરમાં રિદ્ધિ-સિદ્ધિ સાથે ગણેશજીની ત્રિનેત્રવાળી પ્રતિમા સ્થાપિત છે. મંદિરનું નિર્માણ 10મી સદીનું માનવામાં આવે છે. એ સમયે રાજા હમીરે આ મંદિરને બનાવ્યું હતું.

રણથંબોર ગણેશજીને દરરોજ ભક્તોના હજારો પત્ર મળે છે. ગણેશજીના કોઇપણ શુભ કામની શરૂઆતમાં ગણેશજીને ચિઠ્ઠી મોકલીને આમંત્રણ આપવામાં આવે છે. ચિઠ્ઠી કે કાર્ડ પર શ્રી ગણેશજીનું સરનામું, રણથંબોર કિલો, જિલ્લો સવાઈ માધોપુર રાજસ્થાન લખવામાં આવે છે અને ભક્તની ચિઠ્ઠી ભગવાન સુધી પહોંચી જાય છે.

મનાકુલા વિનાયગર, પુડુચેરી

ભારતના દક્ષિણમાં પુડુચેરીમાં મનાકુલા વિનાયગર મંદિર સ્થિત છે. અહીં માન્યતા છે કે વર્ષ 1666માં અહીં થોડા ફ્રેન્ચ મુસાફરોનું એક દળ આવ્યું હતું. મંદિરનો ઇતિહાસ એના કરતા પણ જૂનો છે. મંદિરના નિર્માણની દૃષ્ટિથી આ ભારતનાં સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક છે.

મંદિરમાં ચિત્રોમાં ગણેશજી સાથે જોડાયેલી કથાઓ છે. ગણેશજીનો જન્મ, લગ્ન, શેષનાગ સાથે ગણેશજી, મોર ઉપર સવાર ગણેશજી વગેરે અનેક પ્રતિમાઓ દીવાલ પર બનેલી છે. શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવેલાં 16 સ્વરૂપનાં ચિત્ર પણ અહીં છે. મંદિરનું મુખ દરિયા તરફ છે, જેથી એને ભુવનેશ્વર ગણેશ પણ કહેવામાં આવે છે.

તમિળમાં મનલનો અર્થ કાળી માટી અને કુલનનો અર્થ સરોવર થાય છે. પ્રાચીન સમયમાં ગણેશ પ્રતિમાની આસપાસ ખૂબ જ કાળી માટી હતી, જેથી તેમને મનાકુલા વિનાયગર ગણેશ કહેવામાં આવે છે. મંદિરની સજાવટમાં સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગણેશ ટોક મંદિર, ગંગટોક

સિક્કિમનું ગંગટોક મંદિર બૌદ્ધ ધર્મ માટે ઘણું ફેમસ છે, પરંતુ અહીં એક સુંદર ગણેશ મંદિર પણ છે, જે ગણેશ ટોક મંદિરના નામથી ઓળખાય છે. આ મંદિરનું નિર્માણ આશરે 1953માં થયું હતું. એ સમયે ભારતમાં વિદેશ મંત્રાલયના અધિકારી અપા બી. પંતે બનાવ્યું હતું. મંદિરની આજુબાજુનો વિસ્તાર ઘણો સુંદર છે. અહીનું પ્રાકૃતિક વાતાવરણ ભક્તોના મનને શાંતિ આપે છે.

ખજરાના ગણેશ મંદિર, ઇન્દોર

મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં ખજરાના મંદિર આવેલું છે. મંદિરમાં ગણેશજીની આશરે 3 ફૂટ ઊંચી મૂર્તિ છે, સાથે જ રિદ્ધિ-સિદ્ધિ પણ બિરાજેલાં છે. આ મંદિરનો ઈતિહાસ ખૂબ જૂનો છે. શરૂઆતમાં આ મંદિર ઘણું નાનું હતું. 1935માં હોલકર વંશની મહારાણી અહિલ્યાબાઈએ મંદિરને ભવ્ય બનાવડાવ્યું હતું.

મંદિરમાં ગણેશજીની સાથે આશરે બીજા 30 મંદિર છે. અહીં શિવજી, શ્રીરામ, માતા દુર્ગા, હનુમાનજી સહિત ઘણાં દેવી-દેવતાની મૂર્તિઓ છે.

ચિંતામન ગણેશ, ઉજ્જૈન

ચિંતામન ગણેશ મંદિર 12 જ્યોતિર્લિંગમાંથી એક મહાકાળેશ્વર જ્યોતિર્લિંગથી આશરે 7થી 8 કિલોમીટર દૂર સ્થિત છે. આ મંદિર પરમારકાલીન છે. એનો ઈતિહાસ 9-10 શતાબ્દીની આજુબાજુ માનવામાં આવે છે. મંદિરમાં ગણેશજીની ત્રણ સ્વરૂપની મૂર્તિ છે, જેમાં ચિંતામન, ઇચ્છામન, સિદ્ધિવિનાયક સ્વરૂપનાં દર્શન થાય છે. હાલના મંદિરમાં જે બિલ્ડિંગ છે એનું નિર્માણ હોલકર વંશની મહારાણી અહિલ્યાબાઈએ કર્યું હતું. ગણેશજીના ભક્ત કોઈપણ શુભ કામમાં આમંત્રણ આપવા માટે અહીં પહોંચે છે. વિશાળ સંખ્યામાં નવયુગલ ગણેશજીના આશીર્વાદ લેવા અહીં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!