Published By : Parul Patel
- ✍️ ઝઘડિયા આરતી ઇન્ડસ્ટ્રીઝ નજીક ફાયરિંગની ઘટનામાં પ્રશાશન દોડયું,જૈમીન સહિત 22 ની ધરપકડ અને શસ્ત્રો પણ ઝડપાયા,હજુ થોડા પકડવાના બાકી..
- ✍️ મીડિયામાં સ્પષ્ટ રીતે આખી ઘટનામાં રાજકિય પીઠબળ અને એક ધારાસભ્યનું નામ ઉછડયું, પણ મનસુખલાલ મૌન…?
- ✍️ તપાસનો આખો ‘ખાનગી’ અહેવાલ અક્ષરસહ: દિલ્હી અને CMO માં પહોંચ્યો, ઘીના ઠામમાં ઘી ઠરી રહેશે??

ભરૂચ જિલ્લો એટલે અસંખ્ય ઉદ્યોગોથી ધમધમતું ઇન્સ્ટ્રીયલ ધામ…અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા અને દહેજ GIDC એ ભરૂચ જિલ્લાને ઘણી બધી રીતે સમૃદ્ધ અને પ્રવૃત્ત-ગતિશીલ બનાવ્યો છે. આખા દેશમાંથી વિવિધ રાજ્યોના કારીગરો અને ઉદ્યોગ સાહસિકોએ જિલ્લાને નામ-ઠામ-દામ અપાવ્યા છે. રોજગારી ઉપરાંત જિલ્લાએ ટ્રાન્સપોર્ટ, કન્સ્ટ્રકશન અને ઉત્પાદન પ્રક્રિયાઓ થકી દેશી-વિદેશી હૂંડિયામણ કમાવવામાં પણ જિલ્લાએ અગ્રક્રમ જાળવ્યો છે. કોસ્મોપોલિટીન સીટી-જિલ્લો એવા ભરૂચમાં દેશ આખાની વૈવિધ્ય વાળી પ્રજા આવીને વસ્તી હોઈ અન્ય પણ સમશ્યાઓ વારંવાર ઉદભવે છે…
કરોડો રૂપિયાના કામો કરવા-કરાવવા માટે છેલ્લા દોઢ બે દાયકાથી સ્થાનિકો અને આઉટ સ્ટેટના લોકો વચ્ચે ઘર્ષણ થતા હતા, જે હવે આંતરિક યુદ્ધમાં- ગુંડાગર્દીમાં પરિણમ્યાં છે…એમાં પણ ઝગડીયા GIDC આવા આતંકના ઓથાના કારણે બહુ જ ધીમી ડેવેલપ થઈ છે. GNFCના મોટા સાહસ નર્મદા સ્કૂટરનું બાળ મરણ માટે કોણ જવાબદાર હતું, એ આખું ગુજરાત જાણે છે. GMDCની પણ શું હાલત છે, એ પણ છેલ્લી ગુજરાતની 5 સરકારોની ફાઈલોમાં ગુન્હેગારોના નામ ઠામ અને ઠેકાણા, બેંક બેલેન્સ સહિત બધું જ સંગ્રહ થયેલું પડ્યું જ છે…આ વિસ્તારનું આદિવાસી રાજકારણે ઔદ્યોગિક વિકાસની ગતિ અને કમ્મર બેઉ તોડી રહ્યું છે, જે છેવટે તો આ વિસ્તારને જ નુકસાન કરે છે…એની સાપેક્ષમાં અંકલેશ્વર-પાનોલી અને એની પણ પછી બનેલી દહેજ GIDC પણ ઘણી આગળ નીકળી ગઈ છે…

આ બધી ઔદ્યોગિક વસાહતોએ પણ આવા પ્રશ્નો નથી વેઠયા, કે હજુ પણ પ્રશ્નો નથી, એવું તો નથી જ…પણ પહેલા જે ઝગડીયા GIDC માં છોટુભાઈનું સામ્રાજ્ય ચાલતું હતું એ છેલ્લી વિધાનસભામાં જ.દળની દાળના ગળતા છોટુ ભાઈ,એમના ત્રણ દિકરાઓ કિશોર, દિલીપ અને મહેશની ખૂંખાર ટોળકી ઢીલી પડી છે, પોલીસનો સહયોગ, પીઠબળના મળતા એમની સામે એક બીજું સત્તાધારી જૂથ જેમાં ભાજપીયાઓના છુપા આશીર્વાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, અને લખાઈ રહ્યું છે, હવે તો કદાચ પોલીસ ચોપડે પણ ચઢી ગયું હશે, એવી ગુંડાગર્દી કરતી ટીમોએ ટ્રાન્સપોર્ટ અને બાંધકામના કામો, કોન્ટ્રાક્ટર્સ અને બિલ્ડરો પર રીતસરની ધાક ધમકી અને બ્લેક મૈલિંગ જ શરૂ કરતાં છેલ્લો ભયંકર એપિસોડ સમાજે, GIDC અને સરકાર તથા સરકારી તંત્રએ જોયો…આક્ષેપો થયાં, પાપનો ઘડો છલકાતા છેવટે તંત્રના માથે પરંપરા મુજબ નેતાઓએ જ ઠીકરું ફોડતા, અને પાણી માથાથી ઉપર જતા ચોંકેલી સરકારે કલેકટર, IG અને આખા વહીવટી તંત્ર-પોલીસ તંત્રને માથે લીધું…આખી ઇન્ડસ્ટ્રી ક્યાંક બીજે શિફ્ટ થઈ જાય એવી હાલત થતા, બેફામ બનેલા માફિયાઓ અને એમના ગોડ ફાધર્સને છેક દિલ્હીથી ‘નથ’ નાખવામાં આવી હોવાનું કહેવાય છે.
લોકસભાની સામી ચૂંટણીએ સાંસદ મનસુખભાઇ પણ થોડા હેતુપૂર્વકનું હલ્યા પણ ખરા, પહેલા આખી ઘટનાને પોતાને રાજકિય નુકસાનના જાય એટલે બિનરાજકીય મુદ્દો ગણાવ્યો, પણ અખબારોના પાનાઓ પર સત્ય સમાચારો વિગતે ચમક્યા અને સાચી માહિતીઓ (આમ તો સાંસદ શ્રી પણ જાણતાજ હતા-હશે પણ ચૂંટણીમાં “સહુનો સાથ-સહુના વિકાસના” સૂત્રે કોઈની સાથે દુશ્મની ના કરવા કદાચ ઘટનાને બિનરાજકીય કહી ઘરના જ બે ચાર માથાઓને બચાવ્યા-સાચવ્યા હશે, પણ સત્ય બહુ છુપાતું નથી, પાપ છાપરે ચઢીને પોકારે તો છે જ. ભરૂચ કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ તરીકે મેં ખુદ જૈમીનને બે વાર મોબાઈલ કરી જણાવેલ કે ભાઈ તું તારા લીધે ભાજપના બે ચાર નેતાઓના નામ પણ ખરડે છે, એટલુંજ નહીં એ બેઉ નેતાઓને પણ સ્પષ્ટ જણાવેલું કે આ જૈમીનને કન્ટ્રોલ કરો,તમારા નામ ખરાબ થાય છે. આગળ કહ્યું એમ એક લગ્ન પ્રસંગે MP સાહેબને પણ બધું વિગતે જણાવી ઘટતું કરવા જણાવેલ…પણ કોઈ ચમત્કાર કામ કરતો હતો આવા ગુન્હેગરોને છાવરવામાં…
આ આખી ઘટના બહુ જ ઊંડું અધ્યયન અને તપાસ માંગી લે છે…મહિને 5-6 લાખના ઉપલક ખર્ચે મારાઓ, ટપોરીઓને ચૂકવીને GIDCમાં વાહનો રોકી, કામો અટકાવી, ધાક ધમકીઓનું સામ્રાજ્ય ઉભું કરનારાઓ પાછળ બહુજ મજબૂત પીઠબળ હોવાનું ઘણા બધા જાહેરમાં જાણે છે, બોલે છે, સમજે પણ છે…પોલીસ રેકોર્ડ પર પણ તો કદાચ હશે જ…

આ બાબતમાં એક ગંભીર વાત ધ્યાન પર આવી છે કે જૈમીનના મુદ્દે એક મોટા “સિંહ” ને ફસાવી, બીજા એક શિયાળ જેવા સિંહે પોતાની જાતને, હોદ્દાને બચાવી લેવા, સંગઠનના નજદીકના નેતાઓને આજીજી કરી આવા ગાઢ સંબંધોમાં પણ મિત્ર ગણો કે ભાગીદાર ‘રાજકીય ગેમ’ રમી નાખી હોવાનું પક્ષમાં જ ચર્ચાઈ રહ્યું છે…જે પછીના બીજા બ્લોગમાં સમજીશું જાણીશું…પણ હાલનો એક યક્ષ પ્રશ્ન એ છે કે IG સાહેબે જે મિટિંગ ઝગડીયામાં કરી એમાં શું જિલ્લાના બધા ઉદ્યોગોના પ્રતિનિધિઓ, તમામ GIDC ના પ્રતિનિધિઓને બોલાવ્યા, સાંભળ્યા હતા કે માત્ર ઝગડીયાના જ..? બીજી GIDC માં આવું નાના મોટા પાયે ચાલે તો છે જ…કદાચ ટોળકીઓ અલગ અલગ હશે…અને જો ઉદ્યોગોએ કોઈ સ્પષ્ટ રજુઆત કરી હોય તો આ તો જાહેર મુદ્દો છે, પ્રજાને પણ સ્પર્શે છે, તો કાયદો અને વ્યવસ્થાનો આ ગંભીર મુદ્દો છે, ના પોલીસ તરફથી સત્તાવાર કાંઈ કહેવાયું છે, ના ઉદ્યોગો તરફથી…મીડિયા ને દૂર જ રખાયું તો એનું કારણ શું?? શું મીડિયાને માત્ર કોણ પકડાયા, કેટલા રિમાન્ડ મળ્યા અને કેટલા હથિયાર, એ જ જાણીને બેસી રહેવાનું કે પછી તંત્ર ઈશારામાં સમજાવે છે કે, મીડિયા એમનું ઇન્વેસ્ટિગેટિવ જર્નાલીઝમ જાતે ચલાવે, ખુદ શોધે અને જે મળે એ છાપે…અને એ જ સત્ય સમજે ??!! બીજા અંકમાં થોડું વધુ ઊંડાણથી આ વિશે જોઈશું, પાર્ટી એટલે ચૂપ છે, કારણકે સામે લોકસભાની ચૂંટણી અને એની પણ પહેલા બહુ જલ્દી રાજ્ય અને જિલ્લાના સંગઠનમાં ભારે ફેરફારોની ઉપરથી ઈશારો છે…સંગઠન વિશે પણ મારે એક વિશેષ બ્લોગ લખવો તો છે…એ પછી, એ પહેલા ઝગડીયાનો જંગનો બીજો બ્લોગ/ એપિસોડ…જોઈશું…
(ક્રમશ:)