Published By : Disha PJB
સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તાર ખાતે કન્સ્ટ્રક્શન સાઈડ પર રહેતા શ્રમિક પરિવારની ચાર વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. અજાણ્યો શખ્સ બાળકીને તેના માતા-પિતા પાસેથી ઊંચકી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચાર્યું હતું. આ ઘટનામાં આરોપીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અજય રાયની ધરપકડ કરી હતી.
રાત્રિના સમયે આરોપી બાળકીને ઉંચકીને લઈ ગયો હતો. બાળકી રડતી-રડતી મોડી રાત્રે ઘરે આવી હતી. બાળકીને લોહી લુહાણ હાલતમાં જોઈ પિતા અને માતા ધ્રુજી ઉઠ્યા હતા. તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જ્યાં બે કલાક સુધી તેની સર્જરી ચાલી હતી બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ જોવા મળી હતી.
આ બાબતે બાળકીના પિતાએ જણાવ્યું કે, મૂળ અમે મધ્યપ્રદેશમાં આવેલ એક ગામના છીએ. અમે વર્ષોથી સુરતમાં જ રહીએ છીએ. અમારા પરિવારમાં બે દીકરીઓ છે. જેમાં આ નાની દીકરી છે. રાતે અમે નવ વાગ્યાની આસપાસ બધા સૂઈ ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે 2:00 વાગ્યાની આસપાસ દીકરી મારી પાસે આવી અને પાણી માગી રહી હતી. તે લોહી લુહાણ હાલતમાં અને ચાદરથી લપેટેલી હતી. તેને પૂછ્યું પરંતુ તે યોગ્ય રીતે જવાબ આપતી ન હતી. જેથી અમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ મારફતે અમે તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેની હાલ સારવાર ચાલી રહી છે.
આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું કે, રાત્રે બે વાગ્યે હોસ્પિટલમાં ચાર વર્ષની બાળકીને લઈને આવ્યા હતા. બાળકીની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. તેના શરીર ઉપર ગંભીર ઇજાઓ જોવા મળી હતી. પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ ગંભીર ઇજાઓ જોવા મળી હતી. બાળકીની સર્જરી કરવામાં આવી હતી જે આશરે બે કલાક સુધી ચાલી છે. બાળકીના ચહેરા ઉપર પણ ઇજાઓ જોવા મળી છે. બાળકીને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.
આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપી અજય રાયની ધરપકડ કરી હતી. આરોપીને ઇચ્છાપોર RJD પાર્ક પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે પરિવારનું નિવેદન લઇ પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે સુરત પોલીસ કમિશન અજય કુમાર તોમરે જણાવ્યું કે, ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં 11 વાગ્યાની આસપાસ એક બાળકી જે ચાર વર્ષની છે તે પરિવાર સાથે સુતી હતી તે દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ જે તે નજીકમાં રહે છે. આ વ્યક્તિ બાળકીને અવરનવર ચોકલેટ આપતો હતો. જેથી બાળકી તે વ્યક્તિને ઓળખતી હતી. આ વ્યક્તિની ઉંમર 21 વર્ષની છે. આ વ્યક્તિ બાળકીને રાતે ઉચકીને લઈ ગયો હતો. અને ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. આ બાબતની જાણ પરિવારને સવારે થઈ હતી. હાલ આ મામલે પોલીસે મેડિકલ રિપોર્ટના આધારે પોસ્કો એક્ટની કલમો ઉમેરી આગળની તપાસ હાથધરી હતી. આ મામલાને ગંભીરતાથી લઈને સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ માટે તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી અજય રાયની ધરપકડ કરી છે. આરોપી મૂળ બિહારનો રહેવાસી છે.હાલ આ મામલે આરોપીને ઝડપી સજા થાય તે માટે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.